બાગમાં પણ એકધારી ક્યાં બહારો હોય છે ,
કૈંક વેળા કંટકોથી પણ ગુજારો હોય છે.
ડૂબવાની જીદ પર જે નૉંવ હંકારી શકે ,
એમની તકદીરમાં કાયમ કિનારો હોય છે.
કોઈને શ્રધ્ધા નથી, ભીતર રહેલા રામ પર,
મંદિરોમાં એટલે લાંબી કતારો હોય છે.
પદ વગર, પૈસા વગર કે વગ વગર જીવી શકો,
એજ મોટા જેમના ઉન્નત વિચારો હોય છે.
એક થઈને ચાલવું મુશ્કેલ છે કારણ વગર ,
એક સાથે ચાલનારા તો હજારો હોય છે.
આંસુનો, ખુદનો,જખમનો,દર્દનો દિલદારનો,
એક નાના દિલ ઉપર સૌનો ઈજારો હોય છે.
સૂર્યના તડકાં જ સાગર બંધ મુઠ્ઠીમાં મળ્યાં,
ક્યાં હથેળીમાં બધાંની ચાંદ - તારો હોય છે.
રાકેશ સગર, સાગર, વડોદરા ..