વિદ્યા
ક્ષમાના પિતા સમજદાર હતા, સ્ત્રીઓ પર થતા અત્યાચારનો સામનો કરવા તેમણે નાનપણથી ક્ષમાને કરાટે શીખવ્યું હતું જેથી તે પોતાનો બચાવ કરી શકે. ક્ષમાના લગ્ન થયા તેને ૨૫ વરસનો સમય ગાળો વીતી ગયો હતો. આજ સુધી ક્ષમાને પોતે શીખેલ વિદ્યાનો ઉપયોગ કરવાનો મોકો નહોતો મળ્યો. મોડી રાત્રે તેનો પતિ દારૂ પીને લથડિયાં ખાતા ઘેર આવ્યો. ક્ષમાને આંચકો લાગ્યો, તે રડી પડી. તેણે તેના પતિને દારૂ ન પીવા માટે સમજાવ્યો. બીજો દિવસ ઉગ્યો અને રાત પડી. ક્ષમાનો પતિ ફરીવાર દારૂ પીને આવ્યો, ક્ષમાએ વિરોધ કર્યો તો ક્ષમાને ગડદા પાટુનો માર માર્યો. ક્ષમા સમસમીને બેસી રહી. ત્રીજી રાત્રે પણ ક્ષમાનો પતિ દારૂ પીને આવ્યો અને ક્ષમાને મારવા લીધી. ક્ષમાની સહન શક્તિની હદ આવી ગઈ. તે તેના પતિ પર ફરી વળી. ૧૦ મિનિટમાં તો તેના પતિનું પોટલું વળી ગયું. તેનો પતિ આજીજી કરવા લાગ્યો. ક્ષમા મને છોડી દે. હું હવે ક્યારેય તારી પર હાથ પણ નહિ ઉપાડું અને દારૂને પણ હવે ક્યારેય હાથ નહિ લગાડું. ક્ષમાએ તેના પતિને છોડી દીધો. તેણે વિચાર્યું કે શીખેલી કોઈ પણ વિદ્યા વ્યર્થ નથી જતી.
Triku Makwana