કાવ્ય લખવાની રસમ ભૂલી જશો,
હાથ પકડો તો કલમ ભૂલી જશો !
સામે આવીને જો ઊભો રહીશ હું,
જાત પોતાની પ્રથમ ભૂલી જશો !
ક્યાંક એમાં એક સુખ એવું ય છે,
આ જગતના સર્વ ગમ ભૂલી જશો !
હાથ લંબાવું છું એ શરૂઆત છે,
બાદમાં સઘળી શરમ ભૂલી જશો !
સત્ય એવું લાધશે એમાં વળી,
ધ્યાન રહેશે ને ધરમ ભૂલી જશો !
સૌનાં માટે એક રાહત છે અહીં,
મૃત્યુ પામી આ જનમ ભૂલી જશો !
- ભરત વિંઝુડા