ઓળખું છું હું બધાંને ઓળખું છું ,
ને તમારા મનસુબાને ઓળખું છું.
આપ જે ને જીંદગી માની રહ્યાં છો,
પાણીના એ બુદ- બુદાને ઓળખું છું.
મસ્જિદોની તું દીવાલો ઓળખે છે,
હું ભીતર છે એ ખુદાને ઓળખું છું.
સાધુ,નેતા ,બાબુ કોને મળવું છે બોલ?
હું નગરમાં ભલભલાને ઓળખું છું.
ઝૂંપડી બાળી દીધી 'તી છળ કરીને,
જાણભેદુ એ શમાને ઓળખું છું.
પ્યાસનું સરનામું લેવા ત્યાં ગયોતો,
સારી પેઠે ઝાંઝવાને ઓળખું છું.
કઈ રીતે હું નૉંવ સાગરમાં ઉતારું,
શાંત બેઠેલી હવાને ઓળખું છું.
રાકેશ સગર, સાગર, વડોદરા