ગઝલ...કસોટી...!!!
જેમ સોનાની કસોટી આગમાં,
એમ સાધુની કસોટી ત્યાગમાં.
કાપવું, ઘડવું રહે આકારમાં,
વિશ્વકર્માની કસોટી સાગમાં.
હાથમાં ડમરું ને મહુવર વેશમાં,
છે મદારીની કસોટી નાગમાં.
પોષવું,કરવું, સુશોભિત રાખવું;
નિત્ય માળીની કસોટી બાગમાં.
નિત નવાં પડકાર લાવે જિંદગી,
એક ભાઈની કસોટી ભાગમાં.
-અશોક વાવડીયા
*મહુવર= મહુઅર; મોહર; મોહ લગાડે તેવા સૂરનું વાજું; વાદી, મદારી કે ગરુડીની વાંસળી; તૂંબડીને એક છેડે બે પાવા લગાડીને બનાવેલું ફૂંકીને વગાડવાનું વાજું; મોરલી.
છંદ= રમલ બહર નો ૧૯ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા ગાલગાગા ગાલગા
અરબી શબ્દો
ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલુઈન