ગઝલ...ગામડાં વેરાન...!!!
એક જગ્યાએ રહે પડ્યા એ વાસી થાય છે,
પગ ઉપાડે એજ દુનિયામાં પ્રવાસી થાય છે.
એજ સમજાતું નથી કે નર્ક વાસી કોણ છે.!
જેટલાં પામે મરણ સૌ સ્વર્ગવાસી થાય છે.
કોઇ અલ્લડ,કોઇ શોધક, કોઇ શૂરા થાય છે,
હાજીહા કરનાર વ્યક્તિ અહિ ખવાસી થાય છે.
પોતપોતામાં રહી તાકાત પર નિર્ભર રહે,
કોઇ રાજા, રંક, કોઈ અહિ મવાસી થાય છે.
શ્હેરનું વળગણ હવે તો ક્યાં જઈને થોભશે,
ગામડાં વેરાન, ગાયબ ગામવાસી થાય છે.
-અશોક વાવડીયા
*વાસી= પૂર્વના દિવસનું,ગંધાઈ ગયેલું,રહીશ,વતની ઉપરના બન્ને શેરમાં જુદા જુદા અર્થમાં પ્રયોજવામાં આવ્યું છે;
*ખવાસી= ખુશામત,ચાકરી,ખિદમતદારી;
*મવાસી= કિલ્લેદાર,ગઢપતિ,પ્રધાન,મુખી;
છંદ= રમલ મહફૂઝ બહર નો ૨૬ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
અરબી શબ્દો
ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલુન