મને તું ગમે છે
ગમવું એટલે શ્વસવું...
જેને શ્વાસમાં લેવાનું મન થાય
એને ગમવું કહેવાય
મને
ઘણીવાર મન થાય
શ્વાસમાં તને લઇ
છાતીમાં છેક અંદર સુધી મૂકી
ઉચ્છવાસને ચૂકી જવાનું....
ઘણીવાર મન થાય
સપનામાં તને બોલાવી
સપનાંને કહેવાનું
કે તને આંખોમાં મૂકીને જ જતું રહે પાછું....
ઘણીવાર મન થાય
કે તું ઘરે જતી વખતે
તારો હાથ ભૂલી જાય
મારા જ હાથમાં
અને રાત્રે તકિયાની જરૂર ના પડે મને....
એકવાત કહું?
શ્વાસમાં તો લઇ લીધો છે તને
ઉચ્છવાસ નહીં બનતો ક્યારેય
નહીંતર ફંગોળાઇ જઇશ
હવામાં...!!