સહુની જેમ બે હાથે પૂજા કરવાની ઈચ્છા છે,
ભીતર છે એમને સામે ઊભા કરવાની ઈચ્છા છે !
કરું છું જેમ હું એમ જ કરે છે તે અરીસામાં,
હસું ને તે રડે એવા જુદા કરવાની ઈચ્છા છે !
તૂટીને રહી ગયા સપનાં અધૂરી વારતા જેવાં,
ફરીથી ઊંઘ આવે તો પૂરા કરવાની ઈચ્છા છે !
અહીં સૌએ મૂક્યાં છે બારણાં બારીઓ ભીંતોમાં,
ગમે ત્યારે બધાને ઘર ખૂલાં કરવાની ઈચ્છા છે !
સતત બેસી રહી ને સાવ બંધાઈ ગયો છું હું,
ઘડીભર ચાલવું છે પગ છૂટા કરવાની ઈચ્છા છે !
- ભરત વિંઝુડા