માસિક-મહોત્સવ નિમિત્તે લખાયેલી કવિતા. પિરિયડ્સ એ માત્ર લોહી કે અંગત વાત નથી. એ એક ઇમોશન્સ છે.
કંકુ
——
નાની હતી ત્યારે
દાદા પાંચ આંગળીએ દેવ પૂજાવતા
ટચલી આંગળીની બાજુએ આંગળીનાં ટેરવા પર
કંકુ લેવાનું અને ભગવાનને લગાડવાનું
કંકુથી રંગાઇ ગયેલાં ટેરવા મને બહુ ગમતા
ક્યારેક દાદાને પૂછતી પણ
કે કંકુનો રંગ લાલ જ કેમ?
પહેલીવાર લોહી જોઇને દોડતી
બાથરૂમની બહાર આવેલી
ત્યારે મંદિર પાસે બેઠેલા દાદાને ચીસ પાડીને કહેલું
દાદા…કંકુ….
અને દાદા હસેલા
માથે કંકુનો ચાંલ્લો કરી આપેલો
એ પછી હું લાલ રંગને કંકુ જ કહેતી
પરણી ત્યારે એમણે સેંથીમાં કંકુ પૂરેલું
એમની રાહ જોતાં-જોતાં મારી આંખો કંકુવર્ણી થઇ જતી
સૂરજ ડૂબતો ત્યારે આકાશમાં કંકુ પથરાઇ જતું
એ દિવસે વધી ગયેલું પેટ
અચાનક સપાટ થયું
ત્યારે મને
પહેલીવાર કંકુને બદલે લોહી દેખાયું
લોહી
ડબલ સ્ટાન્ડર્ડ છે, સાલું....
એ માતૃત્વની ક્ષમતાને જીવતી રાખે છે
અને માતૃત્વની ઇચ્છાને મારી પણ નાંખે છે
હું એક એવી સ્ત્રી છું
જે અત્યાર સુધી
લોહીને કંકુ માની જીવી રહી હતી
હવે કંકુને લોહી માનવા માંડી છું !
-એષા દાદાવાળા