દીકરા છે ચાર માને જીવતાં,
આવ્યા ના કઈ કામ માને જીવતાં.
ઠાઠડી પર તું ચડાવે શીદને?
સાડલો ઓઢાડ માને જીવતાં.
અંત વેળા બેસણું ના રાખતો,
પાસે તું બેસાડ માને જીવતાં.
અસ્થિ તું પધરાવવા ગંગા જશે,
પણ કદી દેખાડ માને જીવતાં.
ચારધામોની તું યાત્રા ના કરાવ,
તારૂ ઘર દેખાડ માને જીવતાં.
તું કશું બીજું નાં કરતો ચાલશે,
ઋણ તો સ્વીકાર માને જીવતાં.
એ કશું પણ કયાં કદીયે માંગતી?
બસ સમય તું આપ માને જીવતાં.
.....પ્રશાંત સોમાણી