હોટલ બોયનું ગીત
ફૂટ્યાં બે કપ છે એ જાણીને શેઠિયોનો પીત્તો જરૂર આજ ફાટશે
નક્કી પગાર મારો કાપશે
'છોટુ, બે અડધી દે', 'છોટુ, દે રજવાડી', 'છોટુ, અહીં માર જરા પોતુ.'
અધભૂખ્યા આંતરડે શેરડી-શો ભીંસાઈ સાંજ પડે થઈ જાતો છોતું
બદલામાં મોઢું બગાડીને શેઠ, માંડ રૂપિયા પચાસ મને આપશે
આજ નક્કી પગાર મારો કાપશે
ચૂમી ભરીને કોઈ ચાંપી દે છાતિયે સપનું હું જોતો એ સુખનું
'રાજા'નું નામ દઈ ચાલી ગઈ માવડી, રજવાડું આપીને ભૂખનું.
ઓછી કમાઈ જોઈ દારૂડિયો બાપ મને સાંજે જરૂર ઝૂડી નાખશે
આજ નક્કી પગાર મારો કાપશે
થાય કદી મન, મેઁ ય પ્હેર્યો હો ડ્રેસ, ખભે દફ્તરને ચમચમતાં બુટ
હું જ મને સમજાવું, ' સઘળેયે પંખીને હોય નહીં ઊડવાની છૂટ
વૈતરું આ ભૂંસી હથેળીએથી કોઈ નહીં
વિદ્યાની રેખા ત્યાં આંકશે.
આજ નક્કી પગાર મારો કાપશે
-કિશોર બારોટ