તારી સાથે લાગણીના તાંતણે બંધાણો અને તેની સાથે જ વર્ષોથી વરસવાની રાહ જોઈને બેઠેલા સમયના ઘનઘોર વાદળો મલક્યા, કેમ કે એ બધાં મને જવાબદારીઓના વરસાદમાં પલાળવા
માંગતા હતાં.
પરંતુ, દિવાલ પર કોઈ પણ ભોગે ચડવાની જીદ લઈ બેઠેલી, વારંવાર પડવા છતાં દીવાલ પર ચડી જઈને વિજયનો હર્ષનાદ કરતી નઠોર કીડીના જેટલો જ નઠોર થઈ ગયેલો હું....
ના મને જવાબદારીના વરસાદ ભિંજવી શકયો હતો,
ના સમાજના ડરની વાંછટ સ્પર્શી શકી હતી,
ક્યારેક ઇચ્છાઓના કાદવના છાંટા ઉડીને મનને મલિન કરતાં,પણ સમજદારીના સાબુથી ઇચ્છાઓને લોકોના નજરે ચઢવા ના દીધી...
પણ હવે તું છે.....મારી મોટી જવાબદારી.....
જાણે એકાએક જવાબદારીઓનો સાંબેલાધાર વરસાદ તૂટી પડયો, દરિયાને જાણે ખોબામાં ભરવા નીકળી પડયો હોય તેવી એક અકળાવી મુકતી મનોવ્યથા.
અનામી એવા શહેરમાં કોઈ પણ પ્રકારનાં ઠામ ઠેકાણા વગર આવી ચઢેલા આગંતુક જેવી મારી દશા.
પણ
મારી સાથે તું, તારી હૂંફ, અને જગતના તમામ અચેતન અને જડ વસ્તુઓને ક્ષણમાત્રમાં આવરદા બક્ષતું તારું પોતીકાપણું હરહંમેશ હતા.
તારા સાથે હોવાની ક્ષણોને હું જીવતો નથી, પરંતું માણું છું. તારું અસ્તિત્વ મને એટલો આનંદ બક્ષે છે જાણે ચાતકને વરદાનમાં બારમાસનું ચોમાસું આપી દીધું હોય.
મારા શ્વાસોની પર્યાય છે તું,
એટલે જ
જો તું નહીં તો હું પણ નહીં.....
મને તારા લાયક ગણવા માટે તારો આભાર મારી
" રંગભૂમિ "