‘ના, અંકલ ! વાંધો નહી આવે.’ કહીને ઋત્વિજે મોટરબાઈક ઊભી કરી. કિક મારીને એને ચાલુ કરી જોઈ. પછી એણે કાંડાઘડિયાળ તપાસી લીધી. ખિસ્સામાં પાકીટ સલામત છે કે નહીં એ ચકાસી લીધું. ત્યાં અચાનક એને યાદ આવ્યું, શર્ટના ખિસ્સામાં મોબાઈલ ફોન મૂકેલો હતો એ ક્યાં ગયો ?!
‘અંકલ, મારો સેલફોન પડી ગયો લાગે છે. કીમતી હતો અને નવો પણ. શોધવો જ પડશે. તમારી પાસે ટોર્ચ હશે?’
મેં કહ્યું, ‘સોરી ! નથી. પણ એક કામ કર. તારો સેલ નંબર મને જણાવ. મારા સેલફોનથી હું એ નંબર ડાયલ કરું. જો સામેથી રિંગ સંભળાશે તો તારા ખોવાયેલા ઈન્સ્ટ્રુમેન્ટનું સરનામું પણ જડી આવશે.’
ઋત્વિજે નંબર જણાવ્યો. મેં એ નંબર લગાડ્યો. સુંદર હિન્દી ફિલ્મ ગીતનું સંગીત રણકી ઊઠયું. અમે અવાજની દિશા પકડીને દોડી ગયા. મોબાઈલ ફોન રસ્તાના ડિવાઈડર પાસે ક્યાંક પડ્યો હતો. નજીક ગયા તો ખબર પડી કે બરાબર માર્ગની વચ્ચોવચ ડિવાઈડર પાસે ઊગેલા ઊંચા, ભીના ઘાસની મધ્યમાં જઈ પડ્યો હતો. ત્યાં વિશાળ ઊંડો ખાડો હતો. ઘાસ એટલું તો ગીચ હતું કે અંદર હાથ નાખીને આમતેમ ફંફોસીએ તો જ સાધન હાથમાં આવે. ચોક્કસ જગ્યા વિશે માહિતી મળવાનું કારણ એ હતું કે રિંગટોન વાગતી વખતે એ ઈન્સ્ટ્રુમેન્ટ ઝાંખો પ્રકાશ પણ રેલાવી રહ્યું હતું. ઋતા ઝડપથી ખાડામાં હાથ નાખવા ગઈ, પણ ઋત્વિજે એને ખેંચી લીધી, ‘ખબરદાર ! ગાંડી થઈ ગઈ છે કે શું ?’
‘કેમ એમ પૂછે છે ?’
‘મને યાદ છે. સાપ બરાબર એ ખાડા તરફ જ ગયો છે…..!!’ ઋત્વિજે ધડાકો કર્યો.
હું પણ સડક થઈ ગયો. જો એણે સમયસર ઋતાને ન રોકી હોત, તો કેવો મોટો અનર્થ સર્જાઈ જાત ! ઋત્વિજે પ્રેમિકા ખાતર મોંઘા ભાવનો ફોન જતો કરી દીધો ! ક્યા યહી પ્યાર હૈ….. ? હું પ્રેમથી વ્યાખ્યાને સમજવા મથી રહ્યો. …..પણ ઋત્વિજે ફોન પરત મેળવવાના અન્ય રસ્તાઓ ફંફોસવાનું તો ચાલુ જ રાખ્યું. ત્યાં એની નજર હાઈવેની એક તરફ દસેક ફીટ દૂર એક ઝૂંપડીમાંથી ચળાઈને આવતા પ્રકાશબિંદુ ઉપર પડી. એણે કેડી તરફ ધસી જતાં કહ્યું : ‘એક મિનિટ, સર ! ત્યાં કોઈક રહેતું હોય એવું લાગે છે. હમણાં પાછો આવું છું….’
એ થોડી જ વારમાં પાછો આવ્યો. સાથે એક ચાલીસેક વરસનો હાડપિંજર જેવો દેખાતો પુરુષ હતો. ઋત્વિજ સીધો જ એ ગરીબ માણસને ખાડા પાસે લઈ આવ્યો. પછી માત્ર એટલું જ કહ્યું, ‘આ ખાડામાં મારો ફોન પડી ગયો છે. આ સાહેબ રિંગ વગાડે એટલે તેનો આવજ પણ સંભળાશે અને પ્રકાશ પણ દેખાશે. તારે ખાડામાં હાથ નાખીને મારો ફોન કાઢી આપવાનો છે. હું તને દસ રૂપિયા આપીશ.
પેલો તત્ક્ષણ તૈયાર થઈ ગયો પણ મેં એને રોક્યો. ઋત્વિજની લુચ્ચાઈ પ્રત્યે મને નફરત છૂટી. મેં પેલાને જણાવી દીધું : ‘ભાઈ, દસ રૂપિયામાં મોતને ભેટવા શા માટે તૈયાર થાય છે ? એ તો વિચાર કે આ જુવાન પોતે શા માટે ખાડામાં હાથ નથી નાખતો ? તને જણાવી દઉં છું કે અંદર લાંબો, ઝેરી સાપ છુપાયેલો છે. પછી તારે જે કરવું હોય તે કર !’
To be continue ,,,,,