સતત સાત દિવસના મુશળધાર વરસાદ પછીનો ઉઘાડવાળો દિવસ હતો. હું બહારગામથી ગાડીમાં બેસીને અમદાવાદ તરફ આવી રહ્યો હતો. એકલો જ હતો. સ્ટિયરિંગ મારા હાથમાં જ હતું. હું એકલો હતો એનો અફસોસ હતો, કારણકે મારા સિવાય બાકીનું બધું જ દ્વંદ્વમય હતું. કારના કેસેટ પ્લેયરમાં વાગી રહેલું ફિલ્મી ગીત પણ ડ્યુએટ હતું. હું મારી જાતને એક સવાલ પૂછી રહ્યો હતો : ક્યા યહી પ્યાર હૈ ?
ગીતમાં પડઘાતા પ્રશ્નનો જવાબ આપવા જ જાણે પ્રગટ્યા હોય, એવાં બે જુવાન સ્ત્રી-પુરુષ એક મોટરબાઈક ઉપર સવાર થઈને મારી સફરમાં જોડયાં. સતત હૉર્ન વગાડતાં, મને બાજુએ હડસેલતાં ગતિની મજા લૂંટતા એ કામદેવ અને રતિ મને ઓવરટેક કરીને આગળ ધપી ગયાં. મારી હેડલાઈટના પ્રકાશધોધમાં હું એમની પ્રવૃત્તિ જોઈ રહ્યો. ……યુવતીનું નામ ઋતા હોવું જોઈએ અને યુવાનનું નામ ઋત્વિજ. મને કેવી રીતે ખબર પડી ? જવાબ બહુ સાદો, પણ રોમેન્ટિક છે. મોટરબાઈકની પાછળ, સીટની નીચે, નંબર પ્લેટની ઉપર એક સમચોરસ પતરાની રંગીન તકતી બેસાડેલી હતી. એની ઉપર ગુલાબી રંગના બેકગ્રાઉન્ડમાં ગુટરગૂં કરી રહેલાં કબૂતરોની એક જોડી ચીતરેલી હતી. નર કબૂતરની પાંખ ઉપર ઋત્વિજ લખેલું હતું અને નમણી માદાનું નામ હતું ઋતા.
ઋતા રીતસરની ઋત્વિજને વળગી પડી હતી. બેસવા ઉપરાંતની અન્ય પ્રેમચેષ્ટાઓ પણ ચાલુ જ હતી. હું કારમાં એકલો હતો એ વાતનો વસવસો વધી રહ્યો હતો. ગીતામાંથી ઊઠતા સવાલનો જવાબ મને પણ સંભળાઈ રહ્યો હતો…..સમજાઈ રહ્યો હતો…. હાં, યહી પ્યાર હૈ…. ! ત્યાં જ અચાનક કોણ જાણે શું થયું તે બાઈક ઊથલી પડી. એ પહેલાં એકાદ ક્ષણ પૂર્વે બ્રેક લાગવાનો મોટો ચિત્કાર સંભળાયો, પછી વાહન એક ઝાટકા સાથે ફેંકાઈ ગયું. સારું થયું કે ઊથલીને હાઈવેની એક તરફ જ્યાં માટીની સમાંતર કેડી હોય છે ત્યાં જઈ પડ્યું, નહીંતર અવશ્ય એ બંને જણાં મારી કારની નીચે ચગદાઈ મર્યા હોત ! મેં બ્રેક મારીને ગાડી થોભાવી દીધી. પછી ધીમેથી એક તરફ લઈને ઊભી રાખી. એન્જિન બંધ કર્યું. કારનો દરવાજો ખોલીને હું બહાર નીકળ્યો. ચોપાસ માત્ર અંધારું અને અંધારું જ છવાયેલું હતું. છતાં ઊંહકારાનું પગેરું પકડીને હું દોડ્યો. બંને જણાં સલામત હતાં. સામાન્ય મૂઢ માર વાગ્યો હતો.
‘અરે, ભાઈ ! આટલી બધી ઝડપ તે રખાતી હશે ? અને એમાં પાછી આમ અચાનક બ્રેક પણ મરાતી હશે ?’ મેં ઋત્વિજને ટેકો આપ્યો એની સાથે હળવો શાબ્દિક ઠપકો પણ આપ્યો. પછી મેં ઋતાને બેઠી કરી.
‘થેન્ક યૂ, સર ! પણ શું કરું ? અચાનક મારી નજર સાપ ઉપર પડી. બાઈકની હેડલાઈટના પ્રકાશમાં મેં જોયું કે રસ્તાની ડાબી બાજુએથી નીકળીને એ સરકતો સરકતો જમણી તરફ રસ્તાની વચ્ચેના ડિવાઈડર તરફ જઈ રહ્યો હતો. ભયાનક ઝેરી, પાંચ સાડા પાંચ ફીટ લાંબો, કાળોતરો હતો. બ્રેક માર્યા વગર છૂટકો નહોતો. કાં તો એ ચગદાઈ જાય અને મરી જાય. કાં તો….’ ઋત્વિજ અટક્યો, પછી એની અંદરની આશંકા એણે જાહેર કરી, ‘એની પૂંછડી ચગદાઈ જાય અને કદાચ એ વીજળીવેગે અમારા બંનેમાંથી કોઈને પણ દંશ મારી બેસે…. ! તો…..?
‘સારું ! જે થયું તે થયું. હાઈવે ઉપર વાહન ચલાવતાં ધ્યાન રાખવું. પ્રેમ કરવા માટે માણસે ચાર બંધ દીવાલોનું સર્જન કરેલું જ છે એનો ખ્યાલ રાખવો. તારાથી બાઈક ચલાવી શકાશે ને ? નહીંતર મારી કારમાં…..’
to be continue ⏩
‘