રવિવારની રમૂજ...
અહીં તો ના કુંવારાની કહાની છે.
ખરેલા એ સિતારાની કહાની છે.
ઠગાયા લાકડાના લાડવાથી જે,
કહે કોને બિચારાની કહાની છે.
નવી ગાડી સમો સંસાર ચમચમતો,
થયા જૂના ખટારાની કહાની છે.
મજાનાં દોરતા ચિત્રો જવાનીમાં,
વગર પીંછી ચિતારાની કહાની છે.
ફુવારા પ્રેમના સુંદર સજાવ્યા'તા,
નથી પાણી નિતારાની કહાની છે.
મજાની ફુલઝડી સમજી લઈ આવ્યા,
છુપાયેલા તિખારાની કહાની છે.
હતાં બે ને થયાં છે ચાર માળામાં
વધી ઝંઝા ધિખારાની કહાની છે.
વહેવારો તણી ખાઈ થપાટો જે,
ઘસાયો તે કિનારાની કહાની છે.
હતો કિલ્લા સમો મજબૂત બાંધાનો,
હવે જર્જર મિનારાની કહાની છે.
દાજી