લોહીની નદીઓ વહે છે રોકો,
રોજ નિર્દોષ મરે છે રોકો !
આગને કોણ સળગતી રાખે,
શહેરનાં શહેર બળે છે રોકો !
ક્યાં સુધી ચાલશે અંધાધૂંધી,
પ્રશ્ન હરરોજ ઊઠે છે રોકો !
ન્યાય ને રક્ષા કરી જે ન શકે,
ભાષણો કેમ કરે છે રોકો !
શબની પેટીથી મતોની પેટી,
કોઈ સરખાવ્યા કરે છે રોકો !
છે ઈમારત પડું પડું ‘આદિલ’,
મૂળ આધાર ખસે છે રોકો !
-આદિલ મનસુરી