"દીકરી પરણાવીને"
દીકરી પરણાવીને ક્યાં બાપનો મોભો ગયો,
એમ લાગ્યું બાપને રમઝાનનો રોજો ગયો.
લાગણીની થાપણો વપરાઈ ગઈ વર્ષો જુની,
દીકરીના લગ્નનો અવસર ઘણો મોંઘો ગયો.
ક્યાં ગરીબો કે અમીરોની કથામાં ભેદ છે,
બેઉ કહેશે આંગણે અવસર ઘણો મોટો ગયો.
આખું ઉપવન સાવ સુનું થઈ ગયું છે રાતમાં,
બાગમાંથી જ્યાં અચાનક એક ગલગોટો ગયો.
આંસુ આંખોમાં હૃદયમાં રંજ મુખ પર છે ખુશી,
આજ મનપરથી ખુશીનો એક સમજોતો ગયો.
દીકરીનો ભાર તો ફૂલોથી હળવો હોય છે,
કોણ કહે છે છાતી પરથી બાપની બોજો ગયો.
બાળપણની યાદ "સાગર" એમ ચાલી નીકળી,
પાણીમાંથી જે રીતે એકાદ પરપોટો ગયો.
રાકેશ સગર,સાગર