બેટી કમાશે બાપ ખાશે ભૂંડો આવશે કાળ
માવતર જણયા મેલશે, ભૂપ લેશે ના ભાળ
ભૂપ લેશે ના ભાળ, માણસ માણસ ને ખાશે
સત્ય છુપાશે સુતલ, જૂઠા જગ વખણાશે
જીવતા જોશે લાખણા, પાપીના ચળશે પાળ
બેટી કમાશે બાપ ખાશે ભૂંડો આવશે કાળ...
ભેળો સાળો ભુવનમાં, રહેશે દિવસ ને રાત
કજિયા ખોરી કામિની , ઘણી જ ઓરશે ઘાત
ઘણી જ ઓરશે ઘાત, બોલાવી બમણી બોલે
એક કહો તાં તેર ,સુણાવશે હોલે હોલે
જીવતાં જોશે લાખણા, નહીં હોય નાત્યજાત
ભેળો સાળો ભુવનમાં, રહેશે દિવસ ને રાત...
દરિયો ડુંગર ચડશે ડુંગર થય જાશે ધાર
જંગલ જંગલ નહીં રહે, વસ્તિનો થશે વિસ્તાર
વસ્તિનો થાશે વિસ્તાર વનચર નગર વસશે
તસુ ધરા ને કાજ બેટા બાપ ને મારવા ધસશે
જીવતા જોશે લાખણા, ભાઈ ભાઈ નો ખાર
દરિયો ડુંગર ચડશે ડુંગર થય જાશે ધાર
વિધવા શણગાર સજસે સુહાગણ વિધવા વેશ
સુંદરી મુંડન કરાવશે હશે નર ને લાંબા કેશ
નર ને લાંબા કેશ વળી ચાલશે છટકા કરતો
બેઠી હશે બાઇ બાકળે પુરુષ પાણીલા ભરતો
જીવતા જોશે લાખણા આ દેશ થશે પરદેશ
વિધવા શણગાર સજસે સુહાગણ વિધવા વેશ
વાદળિયું વેહેતી થશે, પવને કરિ પલાણ
ધરતી રહેશે તરસતી નદિયુ સુકાશે નવાણ
નદિયુ સુકાશે નવાણ, ખોરા સૌ ધાન જ ખાશે
મહૈલો થાશે મસાણ, ત્યાં રમશે ચુડેલુ રાસે
જીવતા જોશે લાખણા, ભુખરા ઉગશે ભાણ
વાદળિયું વેહેતી થશે પવને કરી પલાણ...