અષાઢી મેઘ પ્રવેશ્યો ફળિયામાં લઇ ઉત્સાહ
નળીયાનાં ટપ ટપ વાસણનાં સુરમાં દે સાથ,
ફુલઝાડને બુંદ સ્પર્શે કે જીણુ જીણુ શરમાય
ખૂણે ઉભેલું નાચી ઉઠે છે સીતાફળનું ઝાડ,
હાશકારો લેતી ડેલી ભૂલી ગઇ લેતા શ્વાસ
અષાઢી મેઘ પ્રવેશ્યો ફળિયામાં લઇ ઉત્સાહ,
બારી ને બારણાની હતી પેલી ઠંડી ઠંડી રાત
સવારે હોઠો પર એનાં જામી હતી ઝાકળ ની ભાત,
કહું ને ન કહું હૈયે મચી રહી ઇચ્છાની ઉત્પાત
અષાઢે મોરલો ટહુકે ને આવે છે કોઈ યાદ,
અલવિદા કહેતું જઇ રહ્યુ ગઇ સાલ છિપેલું છાણ
અષાઢી મેઘ પ્રવેશ્યો ફળિયામાં લઇ ઉત્સાહ,
અવનીને ચૂમવા ઝૂકી ગયા કૈક એ ઝાડ
એ ક્રોધથી લાલચોર થઈ જતો ધવલ આભ,
ઉંબરે વાછટથી થૈ લાદી ભીની ને વીજળીની ત્રાડ
અડધી રાતે જાને સુર્ય જાગ્યો ,ચૉળતો આંખ,
ફોરમ માટીની ઘડીક ઘરની અંદર ને ઘડીક બ્હાર
અષાઢી મેઘ પ્રવેશ્યો ફળિયામાં લઇ ઉત્સાહ.