Mother's day Special - આવી માતાને વંદન છે.
(માથા વિના યુદ્ધ કર્યું અને દેહ વિના દાન દીધાં: એવાં બે દુર્લભ બિરુદ અમે બીજા કોને ચડાવીએ , ચાંપારાજ વાળા ? એ તો એકલા તને જ ચડાવાય.)
મારવાડનો એક બારોટ ચાલતો ચાલતો જેતપુર આવી પહોંચ્યો. એભલ વાળા પાસે જઇને એણે સવાલ કર્યો: "રજપૂત, હું માગું તે દેશો ? તમે તો દાનેશ્વરી ચાંપારાજના પિતા છો."
એભલ વાળો બોલ્યો : "ભલે બારોટ ! પણ જોઇ વિચારીને માગજો, હો !"
બારોટ કહે : "બાપા, તમને પોતાને જ માંગું છું ."
એભલ વાળાને અચંબો લાગ્યો. એ બોલ્યા: “બારોટ, હું તો બુઢ્ઢો છું, મને લઇને તું શું કરવાનો હતો ? મારી ચાકરી તારાથી શી રીતે થશે ? તેં આ કઇ રીતની માગણી કરી ?”
બારોટે તો પોતાની માગણી બદલી નહિ, એટલે એ વૃદ્ધ દરબાર પોતાનું રાજપાટ ચાંપારાજથી એક નાના દીકરાને સોંપીને બારોટની સાથે ચાલી નીકળ્યા.
રસ્તે જતાં દરબારે પૂછ્યું : “હેં બારોટ ! સાચેસાચું કહેજો; આવી વિચિત્ર માગણી શા માટે કરી ?”
બારોટે હસીને કહ્યું :”બાપ મારવાડમાં તેડી જઇને મારે તમને પરણાવવા છે.”
એભલ વાળા હસી પડ્યા ને બોલ્યા:
”અરે ગાંડા, આ તું શું કહે છે ? આટલી ઉંમરે મને મારવાડમાં લઇ જઇને પરણાવવાનું કાંઇ કારણ ?”
બારોટ કહે:” કારણ તો એ જ કે મારે મારવાડમાં ચાંપારાજ વાળા જેવો વીરનર જન્માવવો છે, દરબાર !”
એભલ વાળાએ બારોટનો હાથ ઝાલીને પૂછ્યું: "પણ બારોટ, તારા મારવાડમાં ચાંપારાજની માં મીનળદેવી જેવી કોઇ જડશે કે ? ચાંપારાજ કોને પેટે અવતરશે ?"
“કેવી માં ?”
“સાંભળ ત્યારે. જે વખતે ચાંપારાજ માત્ર છ મહિનાનો હતો તે વખતે હું એક દિવસ રાણીવાસમાં જઇ ચડેલો. પારણામાં ચાંપરાજ સૂતો સૂતો રમતો હતો. એની માની સાથે વાત કરતાં કરતાં મારાથી જરાક અડપલું થઇ ગયું. ચાંપરાજની માં બોલ્યાં: હાં,હાં, ચાંપરાજ દેખે છે, હો !”
“હું હસીને બોલ્યો : ‘જા રે ગાંડી. ચાંપરાજ છ મહિનાનું બાળક શું સમજે ? ‘બારોટ ! હું તો આટલું કહું છું, ત્યાં તો ચાંપરાજ પડખું ફેરવીને બીજી બાજુ જોઇ ગયો. હું તો રાણીવાસમાંથી બહાર ચાલ્યો આવ્યો, પણ પાછળથી એ શરમને લીધે ચાંપરાજની માંએ અફીણ પીને આપઘાત કર્યો. બોલો, બારોટ ! આવી સતી મારવાડમાં મળશે ?”
નિરાશ થઇને બારોટે કહ્યું: “ના.”
“બસ ત્યારે, હાલો પાછા જેતપુર.”
સંતાનને જન્મ આપી માતા બની જવું સરળ છે. પણ માતાની અંદર માતૃત્વનું પ્રગટીકરણ થવું એ એક સાધના છે.
ચાંપરાજ વાળાનું નામ સાંભળી દુનિયાની દરેક સ્ત્રીને મન થાય કે મારી કુખે ચાંપરાજ જેવું સંતાન અવતરે. પણ એના માટે મીનળ દેવી જેવું માતૃત્વ ધારણ કરવું પડે.
~ રાજ પેથાણીના જય સ્વામિનારાયણ
#planetraj