સર્પથી ડરવું ફોક છે, જગમાં સર્પ બે-ચાર;
દુર્જનથી ડરતા રહેજો, જગમાં દુર્જન અપાર.
સર્પનું ઝેર તેના દાંતમાં હોય છે, માખીનું ઝેર તેના મસ્તકમાં હોય છે, વીંછીનું ઝેર તેની પૂંછડીમાં હોય છે. પણ દુર્જન તો સર્વાંગે ઝેરી હોય છે.
કારણકે દુર્જનની આંખમાં ઇર્ષ્યાનું ઝેર હોય છે, જીભમાં નીંદાનું ઝેર હોય છે, હૈયામાં નફરતનું ઝેર હોય છે. આમ તેની તમામ ઉર્જા અને વિચારધારા ઘાતક માર્ગે વળેલી હોય છે.
અન્ય પ્રાણીઓના ઝેરનો ઉપાય શક્ય છે, પણ દુર્જનની દુષ્ટતારૂપી વિષનિવારણનો કોઈ ઉપાય છે...?
હા, છે ને...ભગવાનના અખંડધારક સંત મળે તો દુર્જનની દુષ્ટતા નાશ પામી શકે.
જેમ નારદજીના સંપર્કમાં આવવાથી વાલીયો લૂંટારા માંથી વાલ્મિકી બની ગયા.
જેમ અંગુલીમાલને બુદ્ધ મળી ગયા અને એ બુદ્ધત્વને પામી ગયા.
જેમ ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળી વાલેરા વરુનું જીવન પરિવર્તન થઈ ગયું.
જેમ પ્રમુખસ્વામી મહારાજના સંપર્કમાં આવવાથી આફ્રિકાના સુભાષભાઈ પટેલ જેવા તો હજારો દુર્જનોના જીવન પરિવર્તન થયા છે.
ભારતીય સંસ્કૃતિમાં જેટલા અવતારો થયા તેમાં રામ ભગવાને રાવણનો વધ કરી તેને દિવ્ય ગતિ આપી, કૃષ્ણ ભગવાને કંસ જેવા રાક્ષસોનો વધ કરી દિવ્ય ગતિ આપી.
પણ ભારતીય સંસ્કૃતિમાં થયેલા આવા સંતોએ માણસની રાક્ષસીવૃત્તિનો નાશ કરી, દુર્જનમાંથી સજ્જન બનાવી ભગવાનનો માર્ગ ચીંધાડયો છે.
અને એટલે જ બ્રહ્માનંદ સ્વામીએ સંતનો મહિમા ગાતી પંક્તિઓ લખી છે જે આ પ્રમાણે છે.
સંત સમાગમ કીજે હો નિશદિન સંત સમાગમ કીજે...
માન તજી સંતનકે મુખસે, પ્રેમ સુધારસ પીજે...
ભારતીય સંસ્કૃતિની ધરોહર સંત પરંપરાને દંડવત પ્રણામ સહ....
રાજ પેથાણીના જય સ્વામિનારાયણ
યાદ રાખીએ, સંત કેવળ ભગવા કપડામાં જ મળે એવું નથી. આપણી સંસ્કૃતિમાં સંતત્વ એક સ્થિતિ છે. પૂજ્ય જલારામબાપા પણ એક સંત જ કહેવાય, નરસિંહ મહેતા પણ સંત જ કહેવાય અને મીરાંબાઈ પણ સંત જ કહેવાય. અને ભગવા કપડામાં સ્ત્રી અને ધનના ભોગી પાંખડી પણ મળે.
આપણે ગૌરવ લેવું જોઈએ કે પ્રમુખસ્વામી મહારાજ આપણી હૈયાતીમાં જીવેલા સંત છે.