એક અકિંચન ફકીર જાણેકે,
એ જ ઈશ્વર કરીબ જાણેકે.
મન,વગર પાંખનું અહીં પંખી;
નભ વિહારી સમીર જાણેકે.
છે છતાં,કાંઈ પાસ ના રાખે;
કર્ણ સમ દાનવીર જાણેકે.
અંત એના થકી શરૂઆત,
એક એવી લકીર જાણેકે.
કર્મથી પ્રાપ્ત થાય એ સઘળું,
એ જ સાચું નસીબ જાણેકે.
રે સદા એ પરોપકારી જીવ,
એ હિસાબે રહીમ જાણેકે.
ના સતત માંગવું પ્રભુ પાસે,
એ જ સાચો અમીર જાણેકે.
-અશોક વાવડીયા
*અકિંચન= જરૂરિયાતથી વધારે ધનનો સંગ્રહ નહિ કરનાર
છંદ= ખફીફ બહર નો ૧૭ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા લગાલગા ગા ગા
અરબી શબ્દો
ફાઈલાતુન મફાઈલુન ફઅલુન