# KAVYOTSAV-2
વિષય- હાસ્ય
વાંઢો
એને તો ન આગળ ઉલાળ કે ન પાછળ ઢાળ
કેમકે,
એ તો મૂઓ વાંઢો છે ને!
હોય ગોરી કે કોલસા જેવી કાળી
છોરી જોઈ પયણું પયણું કરતો
કેમકે,
એ તો મૂઓ વાંઢો છે ને!
અત્તર છાંટી ફૂલડાં લઈ છાકટો એ થાતો
છોરીઓ દેખી સીનસપાટા ખોટા એ નાખતો
કેમકે,
એ તો મૂઓ વાંઢો છે ને!
ગમે તેને કહેતો ફરે છોરી ગોતો ગમે તેવી
રાખીશ હું તો ફૂલફટાક મેડમ જેવી
કેમકે,
એ તો મૂઓ વાંઢો છે ને!
ઘોડો દેખી થનગને માંહ્યલો એનો મોર
ઢેલડ કોઈ જોવે નહીં ને પછી મરે એક કોર
કેમકે,
એ તો મૂઓ વાંઢો છે ને!
જોઈને હવે તો બોલે લોક, થયો કેવડો ઢાંઢો
તોય ષોડશી કન્યા જોઈ સળવળે એની દાઢો
કેમકે,
એ તો મૂઓ વાંઢો છે ને!
~ વૈશાલી રાડિયા