દીઠા શેરી રસ્તા સૂમસામ ઉનાળાના બપોરે.
કોઈ પથિક લેતો વિશ્રામ ઉનાળાના બપોરે.
અગન વરસે આભેથી કેવી દઝાડે સૌકોઈને,
નથી શીતળતાનું કૈં નામ ઉનાળાના બપોરે.
શ્વાસ ભરતાં પક્ષીઓ ભાળ્યાં ઉડતાં આભે,
પનઘટ સૂના થયા તમામ ઉનાળાના બપોરે.
સૂર ઉકળાવે અગ્નિ પ્રજાળતો સૌને અકળાવે,
' લૂ ' થકી સહુ ત્રાહિમામ ઉનાળાના બપોરે.
ક્યાંક ગામને પાદર પશુ જળરાશિમાં બેઠાં,
ઘરમાં પૂરાઈ રહેતું ગામ ઉનાળાના બપોરે.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '