મનને શાંતિ મળે છે નિખાલસ રહેવાથી.
પુણ્યો પૂર્વનાં ફળે છે નિખાલસ રહેવાથી.
મનની મલિનતા પતન નોતરનારી આખરે,
કેટલા વ્યાધિ ટળે છે નિખાલસ રહેવાથી.
પારદર્શિતા જીવનમાં હોવી આવશ્યક છે,
પતનથી પાછું વળે છે નિખાલસ રહેવાથી.
કૂડકપટને કાવાદાવા આતમને મંજૂર નથી,
ઉન્નતિ આવી મળે છે નિખાલસ રહેવાથી.
ઇશનેય મંજૂર છે નિર્મળતા માનવમનની,
જીવ ઇશમાં ઢળે છે નિખાલસ રહેવાથી.
કિન્નાખોરી દૂષિત કરે છે તેજ માહ્યલાનું,
ભીતર સળવળે છે નિખાલસ રહેવાથી.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '