#Moralstories
હું તમને ચાહીશ
“લેકર હમ દિવાના દિલ...” અંતાક્ષરીના દેકારામાં... “ચાલો, કચ્છની ખાવડાની આંતરરાષ્ટ્રીય સરહદ પર જવાનો આપણને આવકારી રહ્યા છે.” અવાજ સાથે બસમાંની તોફાની ટોળકીમાંની વાતુડી વિશુએ દોડીને બધાંને દોરી રહેલા જવાન ભટનાગર સાહેબ સાથે ચાલતાં-ચાલતાં સવાલોની ઝડી વરસાવી.
વિશુ: “સર, આપને રણમાં આકરા તાપમાં કેમ ગમે છે? દુશ્મનોની ગોળીઓનો ડર નથી લાગતો?” સાહેબ હસ્યા: “છોકરી, મારે એક મા મારા ઘરે છે અને બીજી મા માતૃભુમિ! મા પાસે તો ગમે તેવા વાતાવરણમાં રહી શકીએને? માને દુશ્મનોની ગોળીઓથી બચાવવા આવી તો કેટલી જિંદગીઓ કુરબાન! અહીં વાપરવાનું પાણી ઓછું છે, પણ માભોમ માટે દુશ્મનોને ધૂળ ચાટતા કરનારા પાણીયારા જવાનો છે!
“સર, સામેની બોર્ડરના સિપાહીઓ સાથે મુલાકાત થાય?” “ક્યારેક બોર્ડર પર ચોકી કરતાં કાંટાળી વાડમાંથી આંખો મળે ત્યારે પોતપોતાના દેશની ફરજ અદા કરતી વખતે અમારી આંખોમાં કોઈ ઝેર ના હોય. પરમેશ્વરે રચેલી આ સૃષ્ટિમાં જે દિવસે મનુષ્યતા જાગશે એ દિવસે ક્યાંય કોઈ પ્રકારની વાડ કે કોઈ યુદ્ધો નહીં હોય એ દિવસની કલ્પના અનેરી છે.”
“સર, તમારા સંતાનો...?” મીઠા સ્મિતથી સર બોલ્યા, “તારા જેવડી એક મીઠડી દીકરી છે, જેની સગાઈના હમણાં સમાચાર મળ્યા. રજા મળશે તો લગ્નમાં પહોંચીશ, બાકી એની મમ્મીને કહીને આવ્યો છું કે એના મા-બાપ બન્ને તું જ છો. કદાચ આ છેલ્લું મિલન હોય, પણ માભોમ માટે બધું જ મંજુર!”
પાકિસ્તાનની સરહદ તરફ આંગળી ચીંધી ભીની આંખે વિશુ બોલી: “દેશ શાંતિથી સુઈ શકે તેથી તમે લોકો પળ-પળ અહીં જાનના જોખમે જીવો છો. આ ત્યાગ અને પ્રેમ દિલમાં ભરીને જિંદગીભર તમને ચાહીશ.” વિશુની પીઠ પાછળ ભીની આંખે ભટનાગર સર જેવા જવાંમર્દ બાપનું દિલ બોલી ઉઠ્યું, ‘હું પણ!’ અને એમણે નીચા નમી ધૂળ લઇ માથે ચડાવી!
-વૈશાલી રાડિયા
(કૃતિના શબ્દો:૨૪૯)
નોંધ: ૨૦૧૧ ની લેખિકાની બોર્ડર મુલાકાતની વખતની આ દિલની વાતો છે જેમાં સાચા પાત્રોના નામ તો ભૂલાઈ ગયા છે પણ એમની સાચી વાતો દિલમાંથી ક્યારેય ભૂલાઈ નથી. દિલોની આ વાતોને શબ્દદેહ આપી આજે વરસો પછી ઘણો ભાર મુક્ત થયો એમ લાગે છે કે ક્યાંક કોઈ તો સમજશે આ માતૃભૂમી માટે શહીદી વહોરી રહેલા જવાનોની જિંદગીની કિંમત! બીજું કશું નહિ તો એમને માટે દેશના નાગરિકો એક સંપ થઇ શહીદી બાદ એમના પરિવાર માટે વ્યવસ્થા કરવામાં અન્યાય ના થાય એ માટે એક મજબુત અને ઝડપી અમલી બની શકે એવો કાયદો બને એવા કોઈ પ્રયત્ન કરી શકીએ તો પણ દેશના જવાનોનું ઋણ ચૂકવી શકવાનું એક કદમ ભરી શક્યાનો સંતોષ લઇ શકશું!
વંદેમાતરમ!