#MORALSTORIES
૩. ઈજ્જત
સવારનાં દસ સુધીમાં બજાર લોકોથી ઉભરાવા લાગ્યું હતું. એટલામાં જ હાથમાં લાકડીઓ લઈને, જીપ અને ટ્રક ભરીને આવેલ ટોળાએ દુકાનો બંધ કરાવવા માંડી. ટોળાના નેતાએ બજારની વચ્ચેના ચોકમાં જઈને લાઉડ સ્પીકરમાં જાહેરાત કરી.
“ આજે ફરી ગૌ-માતાની હત્યા થઈ છે. આપણે સૌ ગાય માતાનાં સંતાનો દુ:ખ અનુભવીએ છીએ. ગૌ-માતાની હત્યાના વિરોધમાં આજે શહેર બંધનું એલાન કરીએ છીએ. ગૌ-માતાની કત્લેઆમનો બદલો લેવાશે. ગૌ-હત્યા એ ગાય માતાની બેઈજ્જતી છે જે અમે ક્યારેય સહન નહીં કરીએ. ગૌ- માતાને ઈજ્જત અને સમ્માન અપાવવા અમે મરવા અને મારવા પણ તૈયાર છીએ. બોલો ગૌ-માતા કી જય.”
આખો દિવસ ટોળું શહેરમાં ફરતું રહ્યું અને ગૌ-માતાની રક્ષા અને સમ્માનના ભાષણો કરતું રહ્યું.
રાતના નવ આસપાસ અમી રેલ્વે સ્ટેશને ઊતરી. શહેર બંધનું એલાન હોવાથી રીક્ષા ન મળતાં તેણે ચાલતા ઘરે જવાનું નક્કી કર્યું. રસ્તામાં કેટલાક નિશાચર નબીરાઓએ અમીને જોઈને લાળ ટપકાવી. શહેર બંધ, રાત, સૂમસામ સડક અને એકલી અમી. તેમણે અમીને પીંખી નાખી. દૂર ક્યાંક લાઉડ સ્પીકરનો અવાજ આવતો હતો.
“ ગૌ-માતાને ઈજ્જત અપાવવા... સમ્માન... રક્ષા કાજે...”
બીજા દિવસે શહેરનાં તમામ છાપાં ગૌ-રક્ષકોની તસ્વીરો અને ભાષણોથી ભરેલા હતાં. મોટા અક્ષરે હેડલાઈન્સ હતી- ‘ ગૌ-માતાની રક્ષા અને ઈજ્જત માટે મરવા-મારવા તૈયાર.’ સૌથી નીચે ખૂણામાં નાના અક્ષરથી છપાયું હતું- ‘ ચાર જણે ભેગાં મળી છોકરીની ઇજ્જત લૂંટી.’
-: સમાપ્ત :-