#MORAL STORY
૧. અડી ગયો...
પાયલ ઘરમાંથી કીટલી અને રકાબીઓ લઈને આવી અને ચારેય મજૂરને ચા આપીને આંગણું વાળવા લાગી. રમેશભાઈ પાયલ પર ગુસ્સે થઈ ગયા.“ પાયલ, આ ઘરની રકાબીઓમાં મજૂરોન ચા અલાય? ભોન સ ક નઈ? ફેરથી ધ્યોન રાખજે.” ચા પીધા પછી સૌથી યુવાન છોકરો રકાબીઓ ચોખ્ખા પાણીથી ધોઈને રમેશભાઈને પાછી આપવા આવ્યો.“ અલ્યા, આ રકાબીઓ સાથે લઈ જજો. ગોમમાં બીજે કોમે જશો ઈં ચા પીવા થશે.”“ ના કાકા, ચાલશે. લ્યો ધોઈન લા’યો સું.”“ ના, રાખો તમે. પાસી નહીં જોઈતી.”“ કાકા, ચોખ્ખા પોણીથી ધોઈ સ. લ્યો, અમાર હુ કરવી તમારી રકાબીઓ?”“ અલ્યા, કીધુન રાખો તમે; હવ એ રકાબીઓ મારાથી ના લેવાય. તમારી અડેલી રકાબીઓ હું મારા ઘરમાં પાસી લઉ?”“ પણ... ચોખ્ખા પોણીથી ધોઈ સ...”“ અલ્યા, તમારી અડેલી રકાબીઓ કોઈ લે ખરું? હમજણ જ નહીં ક શુ તન?” છોકરો થોડીવાર અકળાયો પછી દોડતાં જઈને પાયલના બેય હાથ પકડી લીધાં.-
-સમાપ્ત -