આખરી સલામ
જે રૂદિયામા જીવતી ને યાદ બહું આવતી,
એ જીંદગી ને આ અમારી આખરી સલામ છે.
ભર ઉનાળે ખેતર તણા રસ્તામાં આવતા;
દિલને ઉમંગ થતો પણ કશુંક સતાવતા,
નવવધુ નાં રૂપ જેમ સોળે કળાએ ખિલતાં;
એ કેસુડાનાં ઝાડને આ આખરી સલામ છે.
ચંદ્ર તણી આશ માં તરસી ઊભેલી ચાતકી;
ને સારસો ની પ્રિત મે બચપણમાં ભણી હતી,
એક સારસ જો મરે બીજું પાછળ જીવ ત્યજે;
એ પ્રિતઘેલા પંખીઓને આ આખરી સલામ છે.
વોકરાંની રેત માં આળોટતા ખુશ થઈ;
આગિયાં ને આંબવા રાત્રે પાણી માં દોડતા,
કોતરોમાં જ્યાં વસી રંગીન અમારી દુનિયા;
એ નદીના પટ ને આ આખરી સલામ છે.
પ્રિત મારી જ્યાં મળી એ ક્ષણ મે હદયે ભરી;
પ્રણય તણી એ પળો સ્મરણમાં મારા ભળી,
અનંત પ્રણય નજરમાં લઈ પાંપણો ઝુકાવતી;
એ ઘેલુડી સારસી ને આ આખરી સલામ છે.
- કિસ્મત પાલનપુરી