Part-2
ઘણા લાંબા સમય પછી પ્રેમિકા તરફ થી પ્રેમી ને મળેલો અંતિમ પત્ર નો એક નાનકડો જવાબ જે વાંચતા જ તમને થાય કે આ રૂઢિગત નફરત નો જ એક ભાગ છે. જે નીચે મુજબ છે.
તને જવાબરૂપી પત્ર લખવાની દિલથી કોઈ જ ઈચ્છા નહોતી પણ તારા મગજમાં ઉદ્ભવતા તર્ક વિતર્કો ને ઠરી દેવાનો જ એકમાત્ર આશય છે. કદાચ મારા મૂંગાપણા ને તું તારો પ્રેમ સમજી ના લે એજ ઉદ્દેશ્ય થી હું આ પત્ર નો જવાબ આપી રહી છું. મારો જવાબ ના મળવાને લીધે તને એવી ભ્રમણા થયા કરે કે બિચારી હજુ મારા પ્રેમ માં અલિપ્ત છે જેથી જવાબ આપવા સક્ષમ નથી પણ સાંભળ હવે પરિસ્થિતિ બદલાઈ ચુકી છે વાદળો હવે ફક્ત ચોમાસામાં જ વરસે છે. હા એ વાત તદ્દન સાચી છે કે હું જયારે તને પ્રેમ કરતી હતી ત્યારે હું આંધળી હતી મતલબ કે તું દિવસ ને રાત કહેતો તો હું પણ રાત જ કહેતી લગભગ તારી દરેક હા માં જ હું હા મિલાવતી.પણ હવે અનેક સંજોગ અને સમય બદલાઈ ચુક્યા છે.ઘણી સવારો હવે ઝાકળ વગર જ પડી ચુકી છે. તો પણ મને એક વાત સમજાતી નથી કે મને આમ છોડી દીધા પછી મને પત્ર લખીને તું શું સાબિત કરવા માંગે છે? કદાચ આ પ્રશ્નનો જવાબ તું સાચો નહિ જ આપી શકે.ખેર હું એ જાણવા તલપાપડ પણ નથી.મને જીવનભર મારા ભૂતકાળ પર અભાવ રહેશે.હું મારી જાતને કદી માફ નહિ કરી શકું કેમ કે મારી જ ભૂલ હતી કે મેં તારા પર જાન ન્યોછાવર કરી દીધી.પોતે ભૂલ કરી હોય ત્યારે આપડે એને ઝડપી ભૂલવા માંગીએ છીએ.પણ નસીબ માં જે મંડાવાનું હોય એ થતું જ હોય છે. તને હું જેમ અગાઢ પ્રેમ કરતી હતી તેવી જ રીતે અત્યારે તને અત્યંત નફરત કરું છું.આ વાત નખશીખ સાચી છે. અતિશય પ્રેમ માંથી મળેલો તિરસ્કાર જયારે અણગમો અને નફરત નું પ્રતિક બને છે ત્યારે મહાન પ્રેમની વાતો પળવારમાં ભુંસાઈ જાય છે.હું એમ નથી કહેતી કે પ્રેમ તત્વ નફરતથી નીચી કક્ષાનું છે પણ તારા આ બેવફાઈ ના પગલા એ મારા પ્રેમને પાંગળો બનાવી દીધો છે.તે મારા વ્યક્તિત્વ ને છેતર્યું એ માટે કદાચ હું તને માફ કરી પણ દઉં પણ તે મારા બહુમુલા અસ્તિત્વ સમા પ્રેમને છેતર્યો છે એ માટે તને હું કોઈ દિવસ કે કોઈ યુગ માં માફ નહિ કરું. અને છેલ્લે એટલું કહું કે આ પત્ર વાંચ્યા પછી તારા મનમાં મારા પ્રત્યે ઉભી થયેલી અને થનાર દરેક તરંગી ઉર્મીઓ શમી જાય અને એક ધુમાડા ની જેમ વિખેરાઈ જાય.
લી.
એક પરિચિત વ્યક્તિ