મળ્યાં સામે અને આપી તમે મુસ્કાન આહાહા !
અધૂરા સ્વપ્નનો ઉતરી ગયો સામાન આહાહા !
તમે સામે જ બેઠાં, રાખ્યું મારું માન આહાહા,
હું શું બોલું ? મને લાગી ગયું છે ધ્યાન આહાહા !
તમોને જોઈ મારી આંખ મોભાદાર થઈ ગઈ છે,
તમે દેખાવ છો એવા તો જાજરમાન આહાહા !
તમોને ફૂલ આપું ? ફૂલને હું ફૂલ શું આપું ?
તમે બોલો અને મહેકી ઊઠે ઉદ્યાન આહાહા !
તમો સંગ આંખ લાગી ગઈ ને અમને પાંખ લાગી ગઈ,
ઘડીમાં સર થયાં આ કેટલા સોપાન આહાહા !