વિશ્વ માતૃભાષા દિનની માતૃભારતી પરિવાર અને દરેક વ્યક્તિ જેને પોતાની માતૃભાષા પ્રત્યે પ્રેમ હોય જેમની લખેલી શાયરી, વાર્તા, નવલકથા, વિચારો, કવિતા, રચનાઓ પ્રસ્તુત કરી છે જેમા એમનો માતૃભાષાનો છોડ જે એમની અંદર વિકસિત છે અને એના સુંદર શબ્દોરૂપી સૌરભથી જે રોજ માતૃભારતીને મહેકાવતા રહે છે એ દરેક વાચકો અને લેખકોને ખૂબ ખૂબ શુભકામના.
મારુ ગુજરાતી વ્યાકરણ ઘણુ કાચુ છે એટલે જોડણીમાં ભૂલ થાય તો માફ કરજો મિત્રો પણ આજે હું ગુજરાતી ભાષા અને શિક્ષણ માટે કંઈ કહેવા માંગુ છું દરેક વ્યક્તિના જીવનમાં માતૃભાષાનું આગવું સ્થાન હોય છે મારી માતૃભાષા મારા વ્યક્તિત્વનો પાયો છે જો પાયો જ કાચો હશે તો હું મારુ મકાન ઉભુ કરી શકુ નહી જેટલી હું મારી માતૃભાષાનું સિંચન મારા બાળકોમાં કરીશ એટલા જ બાળકો માતૃભાષાને ઓળખશે એટલો જ એમનામાં પણ ભાષાનો વિકાસ થશે.બાળક વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ ક્રમે આવે એ જરૂરી નથી પણ તમારા બાળકનું કાચુ ગુજરાતી ગુજરાતની ભૂમિ અને ગુજરાતીની માતાઓનાં સંસ્કારની કચાશ દર્શાવે છે બાળકોને શિક્ષણ ભલે અંગ્રેજી માધ્યમનું મળે પણ સંસ્કાર તો ગુજરાતની ગરિમાના જ મળવા જોઈએ. વિદેશોમાં રહેતા ગુજરાતીઓ ગુજરાતી શીખવા કલાસમાં મોકલે પોતાની માતૃભાષા પ્રત્યે એઓ જો આટલા સભાનતા ધરાવે તો આપણે કેમ બાળકોને અંગ્રેજી ભાષાની હરોળમાં જ ઉભા કરી દીધા છે.
ભાષા તો ડાળી પર ખીલતા ફૂલ છે બાળકોને એનો ભાર નથી લાગતો પણ તમે જ અકળાવો છો ગુજરાતી બોલવામાં શીખવવામાં ...
હવે એક સવાલ પોતાની જાતને કરો કેમ તમે તમારુ બાળક ગુજરાતી બોલે તો સંકોચ અનુભવો છો ? શુ વિદેશી કે ભારતની બીજી ભાષા કરતા આપણી ગુજરાતી ભાષા કંઈ ઉતરતી છે ? શુ તમને તમારા જન્મ થી વારસામાં મળેલી ભાષાનું ગૌરવ નથી ? તમારી માં નુ ગર્વ નથી ? દરેક માતા પિતા સમજો તમે બાળકોને અંગ્રેજી ભણાવો પણ પોતે અંગ્રેજ ના બની જાઓ. તમે ગુજરાતી છો ગુજરાતી બનીને રહો. આવનારી પેઢીને જો ગુજરાતી ભાષા ઘરમાં જ મળી રહેશે તો એનો વિકાસ એના વ્યક્તિત્વમાં ઉજાસ લાવશે .તમે નથી ઈચ્છતા કે તમારા બાળકને ભારતીય હોવાની સાથે સાથે ગુજરાતી હોવાનો પણ ગર્વ અનુભવે.
ઉદાર હૃદયથી બાળકો, પરિવારજનો ,આડોશપાડોશ , સગા સંબંધી, મિત્રો અને સહ કાર્યકરો દરેકને ગુજરાતી ભાષા એટલા મીઠડા અંદાજથી પીરસો કે એ લોકો તમારામાં ગુજરાત અને ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ મેળવવા માટે તમને સાંભળવા માટે આતુર રહે. ગુર્જરી ભાષા તો સાહિત્યનો ખજાનો છે શુ આપણે આપણી ગરવી ગુજરાત અને માતૃભાષાને ટકાવી રાખવા આટલો પ્રયત્ન ન કરી શકીએ ..?