જીવન સોગઠાંબાજીની રમત નથી. જીવન કોઈ કુટિલ રાજરમત નથી. જીવન સરળ છે, નૈસર્ગિક છે, ઝરણાની જેમ જ્યાં જગ્યા મળી ત્યાંથી વહ્યા કરવું એનું નામ જીવન. આપણે એને કૅનાલ બનાવી દીધું, નિશ્ર્ચિત વહેણમાં બાંધી દીધું. બીજાઓનું જોઈ જોઈને આપણે પણ આપણી સરળતાને ઢાંકીને ચાલબાજીમાં સરી પડ્યા. થોડી બનાવટ ગળથૂથીમાં મળી, થોડી ઉછેરમાં વર્ષો દરમ્યાન આસપાસના વાતાવરણે ઉમેરી અને બાકીની બનાવટ આપકમાઈની. દુનિયામાં રહેવું હશે તો સ્માર્ટ બનવું પડશે, ચાલાક બનવું પડશે, ભોળા-ભટાક રહીશું તો લોકો તમને ખાઈ જશે, લૂંટી જશે, ખાલી કરી નાખશે. આવું સાંભળીને - વિચારીને આપણે પણ સુપર સ્માર્ટ થવાના ચક્કરમાં ધીટ થઈ ગયા, મીંઢા બની ગયા, મગનું નામ મરી ના પાડીએ એવા થઈ ગયા, તેલ જોતાં થઈ ગયા અને તેલની ધાર જોતાં થઈ ગયા.-સૌરભ શાહ