લૈને લાકડી મેળવી આઝાદી કહેવું પડે બાપુ !
કરી વાત સાવ સીધીને સાદી કહેવું પડે બાપુ !
સ્વદેશીના રહ્યા આગ્રહી સદૈવ તમે પહેલેથી,
ધારણ કરી તમે અંગઢાંક ખાદી કહેવું પડે બાપુ !
વ્રત અગિયાર તમારાં જીવનને બદલનારાં એ,
આજીવન રહ્યા સિધ્ધાંતવાદી કહેવું પડે બાપુ !
સત્ય, અહિંસા હથિયાર તમારાં હાથવગાં હો,
વિદેશી પૂરવાર થયાં તકલાદી કહેવું પડે બાપુ!
અચળ અતૂટ વિશ્વાસ તમારો ઇશ પર કેટલો!
રઘુપતિ રાઘવની તમારી યાદી કહેવું પડે બાપુ !
અસહકારને ઉપવાસે મ્હાત કર્યા અંગ્રેજોને,
ન્હોતી અપેક્ષા તમારી ગાદી કહેવું પડે બાપુ !
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '