હું ક્યાં કહું છું આપની 'હા' હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.
પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઈએ.
એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ.
મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ
બાકી ઘણા હકીમ હતા પણ મારી આ હઠ,
બસ તારા હાથથી જ શિફા હોવી જઈએ.
પૃથ્વીની આ વિશાળતા અમથી નથી,'મરીઝ',
એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ.
#મરીઝ