ગુજરાતઃ એઇમ્સ બરોડામાં કે રાજકોટમાં સ્થપાશે તે અંગે લાંબા સમયથી ચાલતા વિવાદનો આજે અંત આવ્યો હતો. દેશની સર્વોચ્ચ આરોગ્ય સંસ્થા ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિઝ (AIIMS) રાજકોટને ફાળવવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટ નજીક ખંઢેરી પાસે રૂ. 1250 કરોડના ખર્ચે નવી હોસ્પિટલનો પ્રારંભ થશે અને આગામી 4 વર્ષમાં બાંધકામ પૂર્ણ કરી દેવામાં આવશે એમ ગુરુવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.
માર્કેટઃ સતત બીજા દિવસે પણ શેરબજારમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું અને સેન્સેકસ 377.81 અંક ઘટીને 35,513.71ની સપાટીએ બંધ થયો હતો. ઈન્ટ્રા-ડેમાં તે 35,475.57 અંક સુધી ઘટ્યો હતો. નિફ્ટી 120.25 અંક ઘટી 10672.25ની સપાટીએ બંધ રહ્યો હતો. કારોબાર દરમિયાન તે 10,661.25ના સ્તર સુધી ઘટ્યો હતો. બેન્ક ઓફ બરોડમાં મર્જરના કારણે શેર સ્વેપ રેશિયો ધારણા અનુસારનો નહી હોવાથી દેના બેન્કના શેરમાં 20 ટકાનો ઘટાડો આવ્યો છે.
ટ્રમ્પે ઉડાવી મોદીની મજાકઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનમાં પુસ્તકાલય માટે ફંડીંગ કરવાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજાક ઉડાવી છે. તેમણે કહ્યું કે યુદ્ધગ્રસ્ત દેશમાં તેની કોઇ આવશ્યતા નથી. ટ્રમ્પે દેશની સુરક્ષા માટે પૂરતા પગલાં નહી લેવાને કારણે ભારત અને અન્ય દેશોની ટીકા કરી છે. ભારતે ટ્રમ્પના આ નિવેદનને ફગાવી દીધુ છે.
રાષ્ટ્રીયઃ લોકસભાના અધ્યક્ષે ગેરવર્તણૂંક બદલ 21 સાંસદોને સસ્પેન્ડ કર્યા હોવા છતાં એઆઇએડીએમકે અને ટીડીપીના સભ્યોએ આજે ગુરુવારે પણ લોકસભાની કાર્યવાહીને ખોરવી નાખી હતી. બન્ને પક્ષોના દેકારા વચ્ચે કામ આગળ ધપાવવાનું અશક્ય બનતા અધ્યક્ષ સુમિત્રા મહાજને ટીડીપીના 12 અને સાત એઆઇડીએમકેના સભ્યો સહિત 21 સભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા.
સુપ્રીમ કોર્ટઃ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદના વિવાદીત કેસને સુપ્રીમ કોર્ટ આવતીકાલે હાથમાં લેશે. આ કેસ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ એ.કે. કૌલની બનેલી ખંડપીઠ સમક્ષ મુકવામાં આવ્યો છે. 2010ના અલ્લાહાબાદ હાઇકોર્ટના ચૂકાદા સામે આશરે 14 જેટલી અરજીઓ આવી હોવાથી આશરે ત્રણ ન્યાયમૂર્તિઓની બનેલી ખંડપીઠની રચના કરાય તેવી શક્યતા છે.
સ્પાઇસજેટની હવામાં ન્યુયર પાર્ટીઃ ઊંચે આકાશમાં ન્યુ યર પાર્ટી કરવાને કારણે સ્પાઇસજેટને એવિયેશન રેગ્યુલેટરે આડે હાથ લીધી છે. 31મી ડીસેમ્બરે ખાનગી એરલાઇને 2019નું આગમન ઓનબોર્ડ ઉજવવાનું નક્કી કર્યું. તેના ક્રૂએ રંગબેરંગી વિગ્સ પહેરી હતી અને પેસેન્જરો પણ ડાન્સ કર્યો હતો. કહેવાય છે આ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ બન્યો હતો અને તેના કારણે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવીલ એવિયેશન (ડીજીસીએ) આ ઘટનાનો ખુલાસો કરવા માટે એરલાઇન સત્તાવાળાઓને સમન્સ ફટકાર્યુ છે.
સાંઇદાનઃ મહારાષ્ટ્રમાં શિરડી સ્થિત પ્રખ્યાત સાંઇબાબા મંદીરને વિતેલા 11 દિવસોમાં 14.54 કરોડ રૂપિયાનુ દાન મળ્યુ છે. 11 દિવસનો આ સમયગાળો ક્રિસમસ પહેલાથી શરૂ થઇને નવા વર્ષ સુધી ચાલ્યો છે. સાંઇબાબા ટ્રસ્ટના ઉપાધ્યક્ષ ચંદ્રશેખર કદમે જણાવ્યું હતું કે શ્રદ્ધળુઓ દેશ સિવાય વિદેશના પણ છે. 22 ડીસેમ્બર 2018થી એક જાન્યુઆરી 2019ની વચ્ચે મંદીર પરિસરમાં રાખેલા દાનપા6માં 8 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે.
આંતરરાષ્ટ્રીયઃ 15 વર્ષમાં પહેલી વાર આઇફોન કંપની એપલે 20 ડીસેમ્બરના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળામાં રેવન્યુ ગાઇડન્સ ઘટાડીને 84 અબજ ડોલર કર્યું છે. પહેલા 89 થી 93 અબજ ડોલરની કમાણીનું અનુમાન લગાવવામાં આવતું હતું. આવી રીતે કંપનીને આશરે રૂ. 630 અબજ રૂપિયાનું નુકસાન થઇ શકે છે.
રાહુલને ઝટકોઃ લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી એકસૂત્રતાના પ્રયાસમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલને ઝટકો લાગ્યો છે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી પછી હવે આમ આદમી પાર્ટીએ પણ મહાગઠબંધમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો છે.