::કૃષ્ણ અને ગોપીઓ
::કૃષ્ણનો ગોપિકાઓ પ્રત્યેનો પ્રેમ કેવો હશે ? માતા સિવાયની અન્ય સ્ત્રીઓ પર પાંચ વર્ષના બાળકની કેવા ભાવથી દૃષ્ટિ પડતી હશે ? આપણે સંસારીઓ એમ જાણીયે છીયે કે સમજણો માણસ પરસ્ત્રીમાં મા-બેન કે દીકરીના સંબંધની ભાવના પ્રયત્નથી બાંધીને જ નિર્દોષ રહી શકે. આનું કારણ એ છે કે આપણે બાલ્યાવસ્થાની નિર્દોષતા ગુમાવી બેઠા છીયે. બાળકને એવી ભાવના ઘડવી પડે છે ? જેના હૃદયમાં કુવિચાર જાગ્યો છે તેને નિર્દોષતા ફરીથી પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો પડે છે. બાળકને એ સહજ છે, પણ આપણે એમ માનીયે છીયે કે અમુક વય પછી ચિત્તની નિર્દોષ સ્થિતિ કલ્પી જ ન શકાય. આપણા યુગના મલિન વાતાવરણનું જ આ પરિણામ છે. જ્યારે ચિત્તની પુનઃશુદ્ધિ કરી વયે મોટા છતાં પાંચ વર્ષની ઉમરનો અનુભવ આપણે ફરીથી કરી શકીશું ત્યારે જ આપણે કૃષ્ણનો અલૌકિક પ્રેમ સમજવાને યોગ્ય થઇશું. પછી કૃષ્ણ પર કલંક લગાડવાની, એ કલંકને દિવ્ય ગણવાની કે એના ઉપર કાંઇ ભાષ્ય કરવાની જરૂર નહિ રહે; જે સહજ હોવું જોઇયે, તે જ જણાશે-અનુભવાશે. ત્યારે આપણી ખાત્રી થશે કે ગોપીજનપ્રિય કૃષ્ણ સદા નિષ્કલંક અને બ્રહ્મચારી હતા, યુવાન છતાં બાળક જેવા હતા અને ગોપીઓનો એમના પ્રત્યેનો પ્રેમ પણ એટલો જ નિર્દોષ હતો.