પંખીને હોય કેવું સારું...
મનગમતાં ઝાડની મનગમતી ડાળ પર બેસી શકે એ પરબારું,
ઝાડનેય નથી હોતું મારુંતારું....
કાગડોય અહીં બેસી ક્રાંઉ... ક્રાંઉ.. કરતો ને બુલબુલ પણ અહીં બેસી બોલે,
પારેવા જોડ કરે વ્હાલની ઉજાણી એની મસ્તીમાં ડાળ આખી ડોલે,
તડકો કે છાંયડો, ફળ-ફૂલ-કાંટા, અહીંયા તો બધ્ધું સહિયારું,
પંખીને હોય કેવું સારું....
ક્યાંથી આવો છો? તમે કેવાં છો? એવું તો પંખીઓ કોઇને ના પૂછે,
માણસ જેવું નથી કે આંસુના કારણ પહેલાં પૂછે ને પછી લૂંછે,
એટલે તો કેટલાંય માણસને નડી રહ્યું માણસ હોવાનું અંધારું,
પંખીને હોય કેવું સારું...
મનગમતાં ઝાડની મનગમતી ડાળ પર બેસી શકે એ પરબારું...
ઝાડનેય નથી હોતું મારુંતારું....
અજ્ઞાત
-gopi Savaliya...