સંબંધોમાં એણે સરવાળા રાખ્યા છે,
મેં'ય હિસાબો સરભરને પાક્કા રાખ્યા છે.
ડુમા, ડુસકા, આંસુ, ખાલીપો ને પડઘા,
થોડા મેં એવા મિત્રો મારા રાખ્યા છે.
શ્રદ્ધા ખેંચી લાવી તી શબરીની એને,
નહિ તો આ બોર અમે પણ એંઠા રાખ્યા છે.
દરિયા દિલી જોઈ લીધી દરવાજેથી,
શ્રીમંતોએ ચપ્પલમાં તાળા રાખ્યા છે.
રંગો પહેરાવી દીધા છે મેં યાદોને.
મારા ભાગે બસ ધોળા વાઘા રાખ્યા છે,
મેહુલ ગઢવી 'મેઘ'