હું કયાં કહું છું આપની 'હા' હોવી જોઇએ
પણ 'ના' કહો છો એમાં, વ્યથા હોવી જોઇએ
પૂરતો નથી નસીબનો આનંદ, ઓ ખુદા.!
મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ
મેં એનો પ્રેમ ચાહયો બહું સાદી રીતથી
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ
બીજા તો બહું હકીમ હતાં પણ મારી એક હઠ
એના જ હાથે બસ દવા હોવી જોઇએ
પૃથ્વીની આ વિશાળતા અમથી નથી 'મરીઝ'
એના મિલનની કયાંક તો જગા હોવી જોઇએ