દિલનું દર્દ હવે ઘેરું બને છે
મન પણ મેરું જેવું બને છે.
પળ પળ મને ડંખ્યા કરે છે
ઝંખના ઝેરી એરું બને છે.
હ્રદય વચોવચ ચાસ પાડે છે
આ લાગણીઓ પણ ખેડું બને છે.
ખાઈ ખાઈને સમ ભોળપણના
કોણ આટલું ભોળુ બને છે?
નીર નીતરતી કાયાનું કામણ
એક એક અષાઢી ફોરું બને છે.
લાખ યત્નો છતાંયે જીવતરમાં
કયાં આપણું ધાયુઁ બને છે.
કોઈ બને છે પ્રીતમાં પાગલ
ને કોઈ રુપનું ઘેલું બને છે.
શ્રદ્ધા સબુરી ને હો મસ્ત ફ્કીરી
તો દિલ ઇશ્વરનું દેરું બને છે.
“નારાજ” લઈએ જો પીડ પરાઈ
તો ઉપચારો ઘરેલુ બને છે.