કૃષ્ણ દવે ની અદ્દભુત રચના :
આંટી ઘુંટી એડમીશનની,
જાળ માં એવા જકડે છે;
સરસ્વતીના કાંઠે બેસી,
માછલીઓ સૌ પકડે છે !
સાવ બિચારા બની મા-બાપ,
ક્યાંના ક્યાં જઈ રખડે છે;
સરસ્વતીના કાંઠે બેસી,
માછલીઓ સૌ પકડે છે !
પોતે સૌ શિક્ષણના રાજા,
'ને સીસ્ટમ સાવ અંધેરી;
કાં તો સીધું ખિસ્સું કાપે,
કાં તો લે ખંખેરી !
કઈ રીતે ડોનેશન દેશું ?
ઘરમાં વાસણ ખખડે છે;
સરસ્વતીના કાંઠે બેસી,
માછલીઓ સૌ પકડે છે !
ડોક્ટર કે એન્જીનીઅર,
એમબીએ બીસીએ કે સીએ;
નાટા સીમેટ ગેટ કેટ સૌ,
લોહી મજાનું પીએ છે !
જાણે કે સો બાજ વચાળે,
એક કબુતર ફફડે છે;
સરસ્વતીના કાંઠે બેસી,
માછલીઓ સૌ પકડે છે !
ક્યાં ગઈ વિદ્યા વ્હાલ ગયું ક્યાં ?
'ને ગુરુ શિષ્યનો નાતો;
ના.. ના.. વિદ્યાપીઠ નથી,
અહીં તો કેવળ ધંધો થાતો !
એક ખુણામાં ઉભો ઉભો,
વડલો એવું બબડે છે;
સરસ્વતીના કાંઠે બેસી,
માછલીઓ સૌ પકડે છે !!