" પિતા "
થાક ઘણો હતો ચહેરા પર પણ,
અમારી ખુશી માટે અનહદ પરિશ્રમ કરતા જોયા છે,
આંખમાં ઊંઘ હતી ઘણી છતાં પણ,
ચિંતામાં જાગતા જોયા છે,
તકલીફો ચારેબાજુથી હતી પણ,
હિંમત હાર્યા વગર એકલા હાથે લડતા જોયા છે,
કોઈને તકલીફ વર્ણવતા ન હતા પણ,
અડધી રાત્રે ખુલ્લી આંખે,
અમારા ભવિષ્યના સપના જોયા છે,
પાઇ-પાઇ ભેગી કરી,
અમારી ખુશી ખરીદતા જોયા છે,
એ ખુશી માટે પોતાના શમણાંઓ ને
રોળતા જોયા છે,
પોતાની પસંદગીને નાપસંદ કરી,
અમારી પસંદગી ને અપનાવતા જોયા છે,
વ્યક્તિ એક છે પણ વિશેષતાઓ અનેક છે,
મારા પિતા સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે.