# FRIENDSHIP STORY_ચાલ, લાગી શરત!
“દોસ્ત, તારી શરતના કારણે આજે હું એક સફળ બિઝનેસમેન થયો છું.” આંખોમાં તેજ સાથે, તે પોતાના સન્મિત્રને મળવા ઝડપથી ઉપડ્યો.
સિવિલ હોસ્પિટલના એક રૂમમાં, મેલીઘેલી પથારી પર સિરિંજથી ટીંચાયેલું શરીર, આભું બની અચાનકથી આવેલા આગંતુકને જોઇ રહ્યું.
અને મગજમાં ભૂતકાળના વંટોળ ઉઠ્યા.
વાત-વાતમાં શરત લગાવવાની તેની નાદાનીઓથી કંટાળી, એક ચેલેન્જ લેવાઇ....
અને વર્તમાન તેની સાક્ષીએ ઊભું હતું.
ખખડધજ શરીર માંડ ઊઠ્યું.
રેડિયો-કેમોથેરાપીની અસરને જોઇ, આંખોમાં ટીપાં બાઝ્યા. જેને છૂપાવી, “ચાલ, લાગી શરત!” હાથ આગળ ધરતાં તે બોલ્યો.
“દોસ્ત.., પણ મારી પાસે હારવા માટે કશું નથી...”
“એટલે તો તને જીતવો છે…!”
આકાશ નામે સન્મિત્ર પર પ્રેમનો અભિષેક...
આંખોમાં વરસાદ….
(લેખન : નમ્રતા કંસારા)