બધાને હોય છે, મારે ય મારા છે
તમે સહુનાં હશો, સહુ ક્યાં તમારા છે ?
ભલે અપવાદમાં મૂકો તમે, ખુદને
મનુષ્યો આમ તો અક્સર, નઠારા છે !
ગમે તે લ્યો નદી, જળ આપશે મીઠું
સમંદર એક નહીં, સાતેય ખારા છે !
ઘણાં બાળોતિયાના છે બળેલાં, અહીં
ઘણાના કાયમી ચડતા સિતારા છે !
નથી માગ્યું કશું, એ વાત નોખી છે
સહારા આજપણ એકે હજારા છે !
તરફદારી કરે નહીં કોઇની, ઈશ્વર
કરે, તો એની પાસે એના ધારા છે !
કરો નક્કી પ્રથમ, આગળ પછી વધજો
સફરમાં કેટલાં સાથે, પનારા છે !