અભિમાન
माया तजी तो कया भया, मान तजा नहीं जाय ।
माया बडे मुनिवर गले, मान सबन को खाय ॥
માયા છોડવાથી શું ? અભિમાન તો છોડાતું નથી. મોટા મોટા મુનિવરોને પણ અભિમાન ગળી ગયું છે. એ અભિમાન તો સર્વનું ભક્ષણ કરનારું છે.
પરમેશ્વર અને સત્યની શોધમાં કોઈ કોઈ માણસો સમાજનો ત્યાગ કરી મુનિવર થાય છે, સંન્યાસી થાય છે, સુખ-સંપદાના બાહ્ય ભૌતિક તત્ત્વોનો ત્યાગ થાય છે, પરંતુ પરમેશ્વર પ્રાપ્તિ માટેનું આ એક જ કદમ કંઈ સત્ય સુધી પહોંચાડતું નથી. વળ સમાજમાં અન્ય વ્યક્તિઓ આવી માયા છોડી શકતા નથી અને પોતે આવું છોડી શક્યો છે, તે વાતનું અભિમાન પણ પણ કોઈ કોઈ મુનિવરને થવા માંડે છે. આ વાત તેનામાં સૂક્ષ્મ અહંકાર ઉત્પન્ન કરે છે. અન્ય સાથેની આવી પોતાની સરખામણી સત્યની શોધમાં બાધારૂપ છે.
જ્યારે માનવીમાં અભિમાન અને અહંકાર દૃઢ થાય ત્યારે તેના પોતાના પતનની ધીમી શરૂઆત થાય છે. અધૂરું જ્ઞાન અને અહંકારને કારણે માનવી પોતાના વર્તન ઉપરનું નિયંત્રણ ધીમે ધીમે ખોવા મંડે છે. તેની વાતોમાં તેનો અહંકાર છૂપી રીતે પ્રદર્શિત થવા માંડે છે. તે કોઈ અન્ય માનવી સાથે ખરું સામંજસ્ય સાધી શકતો નથી. માત્ર તમામ સાંસારિક વાતો માત્રને છોડવાથી કંઈ જ્ઞાની થઈ જવાતું નથી. પોતાનો અહંકાર અસ્તિત્વમાં ઓગાળવો પડે. નમ્ર ભક્તને જ પરમેશ્વરની કૃપા મળે છે. અહંકાર અને આડંબરયુક્ત વાણીથી માનવી સત્ય અને પરમેશ્વરથી દૂર થતો જાય છે. અહંકાર છૂપી રીતે જીદ અને મમત્વને પોષે છે. અહંકાર માનવીને દિલથી બીજા માનવીઓ સાથે ભળવામાં બાધારૂપ છે. અહંકારી માણસ અન્ય માણસો સાથે પોતાના દિલથી અતડો રહી જવા પામે છે. સમાજ છોડી ગયેલ મોટા મોટા, કોઈ કોઈ મુનિવરો પણ અહંકાર છોડી શક્યા નથી. જેમણે પોતાનો અહંકાર છોડ્યો નથી તે મુનિવર બનીને જે મેળવવાનું હતું તે મેળવી શકતા નથી. તેમની યાત્રા અધૂરી રહી જાય છે. સમાજ અને સુખ-સંપત્તિ છોડેલ અહંકારી મુનિવર કરતાં સમાજમાં રહેતો નમ્ર સાધારણ માનવી આધ્યાત્મિક દૃષ્ટિએ ઘણી ઉચ્ચ સ્થિતિએ છે. સમાજને છોડવા માત્રથી જ આધ્યાત્મિક બની શકાતું નથી. સાથે સાથે ઘણી સાધના અને તપ પણ જરૂરી છે. આધ્યાત્મિકતા તરફ આગળ વધવાનો રાજમાર્ગ અહંકારના વિસર્જનનો છે.
આ વિરાટ અસ્તિત્વ અનંત તારલાઓ યુગો યુગોનો કાળખંડ એમાં આપણું ક્ષુલ્લક અસ્તિત્વ શેનો અહંકાર કરી શકે ? અહંકાર જ માનવીના પતનનો રાજમાર્ગ છે અને આ અહંકાર જ તમામ મુનિવરોની તપો-સાધનાને ભસ્મ કરી જાય છે. આ અભિમાન જ કહેવાતા જ્ઞાનીઓના જ્ઞાનને ભક્ષણ કરી જાય છે અને આ અહંકાર જ સહુને પોતાના પાશમાં ઝકડી ખાઈ રહ્યો છે. અહંકાર એટલે અધૂરું જ્ઞાન. અહંકાર એટલે તૃષ્ણા. અહંકાર એટલે અન્યોને પ્રભાવિત કરવાની ઈચ્છા. સત્યનિષ્ઠાથી કાંઈ કહેવું અને અહંકારથી કંઈક કહેવું તેમાં એક સાંકડી ભેદરેખા છે. આત્મસન્માન, આત્મગૌરવ, આત્મસંરક્ષણ અને સદ્વર્તન એ અહંકાર નથી, પરંતુ માનવીની પોતાની ફરજ છે, પરંતુ જેને અધૂરું જ્ઞાન છે, તે આત્મસન્માન અને અહંકારની ભેળસેળ કરી નાખે છે. માત્ર મને જ જ્ઞાન થયું છે અને બીજા લોકો જ્ઞાનથી વંચિત છે તે માનવું અહંકાર પરંતુ જે મને જ્ઞાન થયું છે તે મારે અન્યને પણ તેમને ઉપયોગી થઈ શકે તે માટે જણાવવું તે સત્યપ્રીતિ.
🙏🏻
- Umakant