🙏🙏કોઈ સમયે એવું લાગે કે હું જ ખુબ દુઃખી છું. મારી પર જ આફતો નો વરસાદ થાય છે. મુશ્કેલીઓ મન મુકીને મારી જ પાછળ પડી ગઈ છે. બસ આવા વિચારો આવે અને તમે ડિપ્રેશન તરફ જતા હોય તેમ લાગે. જીવન નિરર્થક લાગે છે.
જ્યારે આવો વિચાર આવતા પૂર્વ એક વખત ભગવાન શ્રી કૃષ્ણ નાં જીવન કવન વિશે થોડું સમજી લેવું જોઇએ.જેથી મનમાં આવતી બધી જ સમસ્યાઓનું નિવારણ થઈ જશે અને જીવન પ્રત્યે નો આખે આખો અભિગમ બદલાઈ જશે.
જેનો જન્મ જ કારાવાસમાં મૃત્યુની આશંકાઓ વચ્ચે થયો હોય. તેનાથી તો વધુ દુઃખદ ઘડી આપણી તો નહીં જ હોય.જે પોતાની જન્મદાત્રી નું મુખ પણ સંતોષપૂર્વક જોઈ શકતા નથી અને મુશળધાર વરસાદ વચ્ચે માતાપિતા થી વિખુટા પડવું પડે છે. તેમનું બાળપણ હતું પણ સુખની ક્ષણો ક્યાં હતી ?
ગોકુળમાં વસીને પણ હંમેશા શત્રુઓથી ખુદને તેમ જ અન્ય લોકોને બચાવવા માટે તત્પર રહેવું એ તત્પરતા એક પ્રકારનો તણાવ જ હતો. જેનાથી પ્રેમ થયો તેને પણ ભગવાન હોવા છતાં પોતાના કર્મ ક્ષેત્રને સમજીને પોતાના રાધા પ્રત્યેના પ્રેમનું બલિદાન આપવું નાનીસૂની વાત નથી તો પણ કાન્હા નાં ચહેરા ઉપર હાસ્ય જ દેખાય છે. મનમાં કેટલી વિરહની વેદના હશે જરા વિચારવા જેવી ઘટના છે. આપણે આપણું પ્રિય પાત્ર જો થોડો સમય પણ દૂર થાય છે તો આપણે વ્યથિત થઈ જઈએ છે.તો પછી એ કાન્હા ના પ્રેમના વિરહનું દુઃખ કેવું હશે?
મથુરામાં પોતાના જ મામાને મારે છે એ પણ એક પ્રકારની વેદના જ છે પણ ધર્મ માટે જે કર્મ કરવું આવશ્યક છે તે કૃષ્ણ થી વધુ કોણ જાણી શકે. આપણે કહેવાય છે કે કોઈ પોતાના પ્રણયને સંપૂર્ણ કદી ભુલી શકતું નથી તો પછી વિચારો સુવર્ણની દ્વારકામાં આઠ આઠ પટરાણીઓ વચ્ચે રહેતા શ્રી કૃષ્ણ ને રાધા યાદ આવતા નહીં હોય? આ સમયે જે મનનાં ભાવો છે તે કોને કહેવા બસ હસતાં ચહેરા સાથે તેમને નિયતિના વિધાનો ને સ્વીકારી આગળ જ વધ્યા છે તે આજના કહેવાતા ડિપ્રેશન માં આવ્યા નથી કેમ કે તેમને ખબર હતી કે દરેક લીલા કે કર્મ પાછળ નિયતિના વિધાન નો હુકમ છે.
પોતાના જ ભાઈ બંધુઓને ઘણું જ સમજાવવા છતાં પણ માનતા નથી અને પોતાના જ ભાઈઓને અન્યાય કરે છે ત્યારે પણ કૃષ્ણ ને દુઃખ તો થતું જ હશે કે આ કૌરવો ની દુષ્ટ થયેલી મતિ થી કેટલું મોટું યુદ્ધ મંડાશે અને અઢળક હત્યાઓ થશે, ત્યારે કેવી એ કાન્હા ને વેદના થતી હશે?
મહાભારત નાં યુદ્ધમાં મરાયેલા કૌરવો ખરેખર તો તેમનાં અધર્મને કારણે મર્યા હતા. તેમછતાં જ્યારે માતા ગાંધારી એ પોતાના પુત્રોના મૃત્યુનું કારણ કૃષ્ણને કહ્યું હશે ત્યારે એ કૃષ્ણને કેવું દુઃખ થતું હશે? તો પણ કાન્હો મૌન ધારણ કરે છે. જ્યારે માતા ગાંધારી યાદવ કૂળ નો નાશ થશે તેવો શ્રાપ આપે છે તો પણ કનૈયો જરાપણ ગુસ્સો કર્યા વિના માતાનો શ્રાપ સ્વીકારી લે છે.
અંતે પોતાની જ નજરો સમક્ષ પોતાના જ સ્વજનો પરસ્પર લડતા ઝઘડતા મરતા જુએ છે.શ્રી કૃષ્ણ ત્યારે પણ નિયતિના વિધાન ને માન આપી પોતાની પીડા દબાવી દે છે.
ભગવાન શ્રી કૃષ્ણ નું સમગ્ર જીવન અનેક પીડાઓ થી ઘેરાયેલું રહ્યું છતાં પણ એ કાન્હો ગોપીઓ નું માખણ ચોરીને ખાઈ છે. રાધા સંગે રાસ પણ રમે છે.ભાઈ બલરામ સાથે રહીને પરાક્રમ પણ કરે છે.સોનાની દ્વારકામાં પોતાની પટરાણીઓ સાથે ગૃહસ્થ જીવન પણ વ્યતિત કરે છે. પાંડવો સાથે રહીને શસ્ત્રો ઉપાડ્યા વિના જ સમગ્ર મહાભારત નું યુદ્ધ પોતાની મુત્સદ્દીગીરી થી જીતે છે અને આ રીતે કાન્હો પોતાનું સમગ્ર જીવન દુઃખો,પીડાઓ વચ્ચે પણ હર્ષ સાથે જીવે છે.
ભગવાન શ્રી કૃષ્ણ નું જીવન એ મનુષ્ય જીવન કેવી રીતે જીવવું તેની એક અદ્ભુત ઝાંખી છે. શ્રી કૃષ્ણ શરણં નમ