પરિવર્તન
"હેપ્પી હોલી પાપા " કહેતાં આસમાએ નલીનભાઇના ગાલે ગુલાલ લગાવ્યો.
આકાશ, વિશાખાબેન અને રત્ના સ્તબ્ધ થઈ ગયાં.
"આ શું ગાંડપણ છે?" નલીનભાઈએ ત્રાડ પાડી.
આસમા થથરી ગઈ.
"આવી છોકરમત સસરા જોડે ના હોય વહુ "વિશાખાબેન ઠપકાથી બોલ્યાં
આસમાની આંખમાં આંસુ આવી ગયા. દોડીને ઉપર જતી રહી. રત્ના દુ:ખી ચહેરે જોઈ રહી.
"મમ્મી આસમાની આપણાં ઘરમાં પહેલી ધૂળેટી છે એટલે એ બધા જોડે આનંદથી રમવા આવી હતી."
"ચૂપ બેસ વહુઘેલાં કંઈ આમન્યા જેવું તો હોય કે નહીં?"
આકાશ સમસમી ગયો.
એટલામાં નલીનભાઈની દીકરી રોમાએ ફેમીલી ગ્રુપમાં પોતાના સાસુસસરા અને પરિવાર સાથે હોળી રમતાં ફોટા મૂક્યાં.
નીચે ,ભાભી તમે પણ ફોટા મૂકો એવો મેસેજ હતો.
થોડીવાર પછી રોમા અને રાહીલ ધૂળેટી રમવા આવ્યાને જોયું તો ઘરમાં સન્નાટો હતો. આકાશે રોમાને બધી વાત કરી.
"પપ્પા કાલે મને ભાભીનો ફોન આવ્યો હતો કે મારાં મમ્મી પપ્પા તો નાનપણમાં જ ગુજરી ગયાં .હવે મને મમ્મી પપ્પા મળી ગયા છે તો હું કાલે તેમની સાથે મનભરીને રંગોથી ધૂળેટી રમીશ .આકાશ ના પાડે છે કે પપ્પાને નહીં ગમે પણ મને વિશ્વાસ છે કે પપ્પા મને દીકરી માનીને ચોક્કસ આનંદથી રમશે. રમશે ને દીદી ? ત્યારે મેં તેને હા પાડી હતી. મને એમ કે મારાં સાસુ સસરાને જોઈને તમારામાં પણ બદલાવ આવ્યો હશે. પણ ના તમે તો નાતનાં આગેવાનને એટલે તમારી તો બધાએ આમન્યા રાખવી જ પડે.પણ પપ્પા ક્યાં સુધી આ આડંબરમાં જીવશો? એક જ વરસમાં વિધવા થયેલ રત્નાફૈબાને પણ તમે ફરી ના પરણાવાનો નિર્ધાર કરી જીવન અંધકારમાં જીવવાનું ફરમાન કરી દીધું છે. મમ્મી અને પપ્પા એક વાત યાદ રાખજો કે જ્યારે તમને જરૂરત હશે ત્યારે આકાશ અને આસમા જ તમારી પડખે ઉભાં હશે ના હું કે ના નાત." રોમા આક્રોશથી બોલી
નલીનભાઇએ હાથમાં ગુલાલ લઇ રત્નાથી માંડી આસમા સુધી બધાંના ગાલ રંગથી ભરી જીવન રંગારંગ બનાવી દીધું.
હેતલ પટેલ (નિજાનંદી)