" ગ્રેનપાઆઆ..... લુક માય સીડ્સ બીકમ પ્લાન્ટ' સેલીની ખૂબજ ખુશ થઇને હિમાંશુભાઈને હાથ પકડી ખેંચીને બહાર લઈ ગઈ.
અમેરિકાથી આવેલી પૌત્રી દાદા સાથે ખૂબ જ હળીમળી ગઇ હતી. શૈલને પોતાના દેશ, ગામથી ખૂબ જ લગાવ હતો. એ જાણતો હતો કે તેની પત્ની જેનીફરને ઇન્ડિયા આવવું નથી ગમતું પણ એને વિશ્વાસ હતો કે જેનીફર એકવાર એના ગામ આવશે તો તેને ચોક્કસ ગમવા લાગશે પણ તે ખોટો ઠર્યો. જ્યારથી આવ્યા ત્યારથી જેનીફર ખૂબ જ ગુસ્સા સાથે ગંદકી , ધૂળ અને ગરમીની ફરિયાદો કરતી રહેતી. શૈલને પણ લાગ્યું કે તેણે ભૂલ કરી છે કારણકે જેનીફરને ખાવાનું પણ માફક ના આવવાથી માંદી પડી ગઇ હતી.એને અને સેલીનીને પાછા મોકલવાનો વિચાર કરી લીધો.
ગામની નાની છોકરીઓને છાબડીમાં જવેરા ઉગાડતી જોઈને સેલીનીએ હિમાંશુને આના વિશે પૂછ્યું. હિમાંશુએ એને સમજાવ્યું કે સારો વર મળે એટલે આ દીકરીઓ ઉપવાસ કરે અને ગોર્યો ઉગાડી તેની પૂજા કરે. સેલેની બોલી
"ગ્રેનપા કેમ ઓનલી ગલ્સ કરે બોય્ઝ સારી વાઈફ માટે ના કરે ?" હિમાંશુ હસી પડ્યો.
"વાત તો તારી સાચી છે હોં દીકરી"
હિમાંશુએ સેલીની જોડે છાબડીમાં સાત થરમાં ઘંઉ ,મગ, તલ બધું વવાડાવ્યું .એમાં જ્યારે બે વાલ એક ડોસો અને એક ડોસી એમ કહીને રોપાવડાવ્યાં ત્યારે સેલીની ખિલખિલાટ હસી પડી .
છાબમાં ઉગેલી કૂંપળો જોઈને સેલીની એટલી ખુશ હતી કે જોઈને હિમાંશુના મનમાં લીલાશ અને આંખમાં ભીનાશ પ્રસરી ગઈ. જેનીફર આ બધું જોઈ રહી હતી.
શૈલ પણ દીકરી અને છોડ એમ પાંગરી રહેલી બન્ને નાજુક કૂંપળોને જોઈ રહ્યો.
પાછા જવાની વાત પર સેલીનીએ નારાજ થતાં કહ્યું
"ડેડા હું ગો બેક નઈ થાઉં . મારે પ્લાન્ટ ઉગે એટલે ફાર્મ ખેડવાનું, ફાસ્ટ કરવાનો અને રાઉન્ડ ડાન્સ કરવાનો છે તો ગુડ હસબન્ડ મળે."
શૈલે જેનીફર સામે નજર કરી.
"હું પણ ફાસ્ટ કરીશ સેલીની તારી સાથે. મને ગુડ હસબન્ડ મળ્યો છે એટલે " જેનીફરની વાત સાંભળી બધાંના ચહેરા તાજી કૂંપળની જેમ ખીલી ઉઠ્યાં.