ભાત લઈને આવજે વ્હાલી જાઉં છું હું ખેતર ખેડવા !
જાર બાજરાના રોટલા બનાવજે ખડતલ ખેતર ખેડવા.
દાળ ભાત ખીચડી મને ના ચાલે,ના ચાલે લૂખી છાસ!
ઘઉંનો હોય રોટલો,ગવરી ગાયનાં લગાવજે ઘી ખાસ.
મોડું ના કરતી સાથે ધોરીડા કાજ ટોપલો લાવજે ખાણ !
લીમડાના છાંયે પીરસજે લીલા ચણાનું શાક અને પાણ.
વ્હાલો વરસ્યો ઘણો,મીઠો બાજરો કડબની સૂકી ચાર !
દિવેલે ખેતર હર્યું ભર્યું વાલોળ કારીંગડાની લીલી ચાદર.
આહાહા..આપણા ખેતરની મજા!ચારે શેઢે લીલો ચારો!
વાઢીને બાંધીશું આપણ બેઉ જ્ણ ગવરી ગાયનો ભારો.
હાલ્ય હવે થોડું ખેતર ખેડી લઉં રજકો બાજરી વાવવા !
જા તું ઘેર છોકરાં જોશે વાટ "વાત્સલ્ય"થી લેશન કરાવવા.
- वात्सल्य